Chhattisgarh 5 Naxalites Killed by Army: છત્તીસગઢના બીજાપુર સુરક્ષાકર્મીઓની ટીમે એક હજારથી વધુ નક્સલીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું છે. આ એનકાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે. મીડિયા સૂત્રો અનુસાર, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આંતરરાજ્ય સરહદ પર કરેગુટ્ટા પહાડોના જંગલમાં સવારે-સવારે સુરક્ષાકર્મીઓની ટીમે નક્સલવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં નક્સલવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે.
20 હજાર જવાનોએ નક્સલવાદીઓને ઘેર્યા
સૂત્રો અનુસાર, છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાકર્મીની ટીમે અત્યારસુધીમાં હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 1000થી વધુ નક્સલવાદીઓને ઘેર્યા છે. આ ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રના 20,000 જવાનો સામેલ છે. સુરક્ષાકર્મીની ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં બીજાપુરના પહાડ પર કોંક્રીટ સ્લેબથી બનેલા બંકરને ઘેર્યું હતું. જેમાં 12 નક્સલવાદીઓ હોવાની બાતમી મળી હતી. આ બંકરને ઉડાવી દેવામાં આવ્યું છે.
નક્સલીઓની ચીજો કરી જપ્ત
આ ઓપરેશન સીઆરપીએફના સ્પેશિયલ યુનિટ કોબરા(કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ ઍક્શન)ની 208મી બટાલિયન જીદપલ્લી શિબિર દ્વારા હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યું કે, એક ઠેકાણે 160 વર્ગફૂટનું બંકર હતું, જેના પર કોંક્રીટનો સ્લેબ હતો. ત્યાંથી છ સોલાર પ્લેટ, બે નક્સલીઓની વર્દી, બે પંખા અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.