China India bilateral Trade Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ફાટી નીકળ્યું છે. ચીને અમેરિકા પર 84 ટકા જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ વધારી 125 ટકા કર્યું છે. આ ટ્રેડવૉર વચ્ચે ડ્રેગન (ચીન) ભારત સાથે સંબંધ સુધારવા સતત પ્રયત્નશીલ બન્યું છે.
ચીન વારંવાર ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો સુધારવા અને વધુ ગાઢ બનાવવાની રણનીતિ પર જાહેરાત કરી રહ્યું છે. ચીનની સરકાર બાદ હવે ચીનની કંપનીઓ પર ભારતીય આયાતકારોને મોટાપાયે ડિસ્કાઉન્ટ આપી આકર્ષિત કરી રહી છે.
ભારતને 5 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ
અમેરિકાના બજારમાં કપરાં કાળ વચ્ચે ચીનની કંપનીઓએ ભારત તરફ ફોકસ વધાર્યુ છે. ચીનની કંપનીઓ ભારતને વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકા સાથે ટેરિફ યુદ્ધનો આકરો જવાબ આપવાની સાથે ચીનના ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને કુલ નિકાસ પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
આ ડિસ્કાઉન્ટથી ભારતીય કંપનીઓને ફાયદો
ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં માર્જિન ખૂબ ઓછા હોવાથી ચીનની કંપનીઓ દ્વારા આપવામાં આવેલું આ ડિસ્કાઉન્ટ ભારતીય કંપનીઓ માટે રાહત સમાન છે. જેનાથી ભારતમાં મોબાઇલ ફોન, ટીવી, ફ્રિઝ, એસી સહિતની મોટાભાગની ઈલેક્ટ્રોનિક્સ આઇટમ્સ સસ્તી થવાની શક્યતા છે.
આ ક્ષેત્રે પણ મળશે લાભ
ચીન માટે અમેરિકા બાદ ભારત સૌથી મોટું બજાર છે. ચીન અમેરિકાને સ્માર્ટફોન, કોમ્પ્યુટર, રમકડાં, કપડાં, વીડિયો ગેમ, લિથિયમ આયર્ન બેટરી, હીટર, ફર્નિચર, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, ઓટો પાર્ટ્સ, મેડિકલ ડિવાઇસિસ સહિતની પ્રોડક્ટ્સ વેચે છે. હવે અમેરિકા તેના માટે વધુ નફાકારક માર્કેટ ન રહેતાં તે ભારત તરફ ડાયવર્ટ થવા માગે છે. જેનાથી ડિસ્કાઉન્ટ સહિત અનેક રાહતો આપવા તૈયાર છે. જેનાથી ભારતીય ગ્રાહકોને ફાયદો થઈ શકે છે.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 180થી વધુ દેશો પર ટેરિફ લાદ્યા બાદ તેના અમલીકરણ મુદ્દે 90 દિવસની રાહત આપી છે. જો કે, તેમાંથી ચીન બાકાત છે. ચીને અમેરિકા સામે તુરંત જ શરુ કરેલા ટ્રેડવૉરના કારણે અમેરિકાએ ચીન પર ટેરિફમાં રાહત આપવાના બદલે 125 ટકાનો વધારો કર્યો છે. જેનાથી ચીનની કંપનીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે.