નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવતાની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ(AAP)સ્પષ્ટ કર્યું છે કે તે હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખશે. આમ આદમી પાર્ટી હરિયાણાના ઉપાધ્યક્ષ અનુરાગ ધાંડાએ કહ્યું કે તેમની પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે છે. તેમની પાર્ટી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.
કુરુક્ષેત્ર બેઠક પર અમે ઓછા માર્જિનથી હાર્યા
અનુરાગ ધાંડાએ કહ્યું કે, “હરિયાણામાં અમારું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણીમાં હતું. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકો પર અલગ ચૂંટણી લડશે. ઇન્ડી ગઠબંધનમાં રહીને અમને હરિયાણા અને પંજાબમાં સારા પરિણામો મળ્યા, પરંતુ કુરુક્ષેત્ર બેઠક પર અમે ઓછા માર્જિનથી હાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ લોકસભાની ચાર બેઠકો ઓછા માર્જિનથી જીતી હતી.
અમારી પાર્ટી વિના આ શક્ય ન હોત. હરિયાણામાં AAP પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી છે. અમને એક સીટ પર JJP,INLD,BSP કરતા વધુ વોટ મળ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવશે અને AAPતમામ બેઠકો પર ઉમેદવારો ઉભા કરવા માટે તૈયાર છે.
હરિયાણામાં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે હરિયાણામાં પાંચ સીટો જીતી હતી. જ્યારે વર્ષ 2019 માં પાર્ટી અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં તમામ 10 બેઠકો જીતી હતી, પરંતુ 2024માં તે પાંચ બેઠકો ગુમાવી હતી અને એટલી જ બેઠકો કોંગ્રેસને મળી હતી.
હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાંચ-પાંચ સીટો જીતી હતી.