EPFO Service Via UPI: સેલરી પર કામ કરતા કર્મચારીઓ માટે એક સારો વિકલ્પ હવે ઉપલબ્ધ થઈ રહ્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે પ્રોવિડન્ટ ફંડ (PF)ના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહી છે. હવે કર્મચારીઓને તેમના પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે ઓફિસના આંટાફેરા કરવાં નહીં પડે, કારણ કે આ સેવાને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. UPI દ્વારા કર્મચારીઓ હવે આ પૈસા ઉપાડી શકશે.
શું બદલાવ આવ્યો છે?
પ્રોવિડન્ટ ફંડ ઉપાડવું અત્યાર સુધીમાં બહુ મોટી અને તકલીફભરી પ્રોસેસ હતી. આ માટે સૌથી પહેલા ફોર્મ ભરવું પડતું, પછી અપ્રૂવલ મેળવવું પડતું અને તે અપ્રૂવ થયા પછી બેન્કમાંથી પૈસા મેળવવા માટે પણ ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે EPFO 3.0 સર્વિસ અપડેટ સાથે કર્મચારીઓને ATM અને UPI માધ્યમથી તરત જ પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ થશે.
આ કેવી રીતે કામ કરશે?
આ માટે કર્મચારીએ PF એકાઉન્ટ ATM સપોર્ટ કરનારી સિસ્ટમ સાથે લિંક કરવું પડશે. સાથે જ, વેરિફિકેશન માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા લિંક કરેલું બેન્ક એકાઉન્ટ નંબર આપવું પડશે. સુરક્ષિત વ્યવહાર માટે વન-ટાઇમ પાસવર્ડ (OTP) મારફત એકાઉન્ટ અને તમામ વિગતો ચકાસવામાં આવશે. આ પછી UPI એપ્લિકેશન દ્વારા PFના પૈસા ખૂબ જ સરળતાથી ઉપાડી શકાશે. હાલમાં બેન્ક મારફત NEFT/RTGS પ્રક્રિયા માટે 2-3 દિવસનો સમય લાગે છે, જ્યારે હવે UPI દ્વારા તરત જ પૈસા ઉપાડવામાં આવશે.
PF ATM કાર્ડ લોન્ચ થશે?
EPFO હવે PF ATM કાર્ડ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર્ડની મદદથી કર્મચારીઓ તેમના PFના પૈસા એપ્રૂવ થયેલા ATMમાંથી ઉપાડી શકશે. હાલ કયા ATM આ સપોર્ટ કરશે તે અંગે જાણકારી નથી, પણ કાર્ડ લોન્ચિંગ સાથે આ માહિતી જાહેર થવાની શક્યતા છે.
કર્મચારીઓ માટે એક આવશ્યક સેવા
સેલરી પર કામ કરનાર કર્મચારીઓ માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. ક્યારેક ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તેઓને પૈસાની ખૂબ જ જરૂર હોય છે, અને ઘણીવાર તે મદદ માટે પરિવાર અથવા મિત્રોની તરફ જોતા હોય છે. જો કે, કેટલીક વ્યક્તિઓ માટે મદદ માગવું અપ્રિય હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તેમની વર્ષોથી બચાવેલી PF રકમ કામ આવી શકે છે. તેથી જ જરૂર પડતી વખતે UPI મારફત PFના પૈસા તરત જ ઉપાડી શકાય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.