સરકારનું આયોજન સફળ થશે તો તે દિવસ દૂર નથી જ્યારે દેશનો દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પેન્શન સ્કીમ માટે લાયક બનશે. સરકાર દ્વારા એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે, આવનારા સમયમાં નોકરિયાત વર્ગ સિવાય અન્ય લોકોને પણ પેન્શનનો લાભ મળી શકે.
ચોક્કસ ઉંમર પછી દરેક વ્યક્તિ આરામદાયક જીવન જીવવાની ઈચ્છા રાખે છે. પરંતુ આ દરેક માટે સરળ નથી. અત્યાર સુધી પેન્શન માત્ર સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને જ મળતું હતું. પરંતુ હવે સરકાર તમામ નાગરિકો માટે નવી પેન્શન સ્કીમ લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સરકાર યુનિવર્સલ પેન્શન સ્કીમ લાવવાની યોજના બનાવી રહી છે. આ સાથે દરેક નાગરિકને પેન્શનનો લાભ મળી શકશે.
અન્ય પેન્શન યોજનાઓને મર્જ કરવાનો પ્લાન!
હાલમાં ચાલી રહેલી અન્ય પેન્શન યોજનાઓને તેમાં મર્જ કરી શકાય છે. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. ઇકોનોમિક ટાઇમ્સ (ET)ના અહેવાલ મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલય આ સ્કીમની તૈયારી અંગે ચર્ચા કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને યોગદાન આપનારી હશે. તેને કોઈપણ નોકરી સાથે જોડવામાં આવશે નહીં, તેથી કોઈપણ વ્યક્તિ તેમાં યોગદાન આપી શકે છે અને પેન્શન લઈ શકે છે.
યોજનાને EPFO હેઠળ લાવવાનો પ્લાન
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ યોજના માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે. એકવાર જ્યારે યોજનાનો ડ્રાફ્ટ તૈયાર થઈ જશે તો સરકાર તેને લાગુ કરવા માટે તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરશે. સરકાર આ યોજનાને EPFO હેઠળ લાવવાનો પ્લાન બનાવવા જઈ રહી છે.
કોને મળશે લાભ?
આ યોજનાનો હેતુ એવા લોકોને પેન્શનના દાયરામાં લાવવાનો છે, જેઓ અત્યાર સુધી કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા. જેમ કે અસંગઠિત ક્ષેત્રના કામદારો, નાના વેપારીઓ, સ્વ-રોજગાર ધરાવતા લોકો અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેઓ 60 વર્ષ પછી પેન્શન ઇચ્છે છે. નવી પેન્શન યોજના તરફ વધુ લોકોને આકર્ષવા માટે સરકાર કેટલીક વર્તમાન યોજનાઓને તેમાં સામેલ કરી શકે છે. તેનાથી લોકોને વધુ લાભ મળશે અને પેન્શન યોજના લાગુ કરવામાં સરળતા રહેશે.
આ યોજનાઓને મર્જ કરવાની તૈયારી!
હાલમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) અને નેશનલ પન્શન સ્કીમ ફોર ટ્રેડર્સ એન્ડ સેલ્ફ-એમ્પ્લોયડ (NPS-Traders) હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 3,000નું પેન્શન ઉપલબ્ધ છે. આમાં દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. તે કોઈપણ વ્યક્તિની ઉંમર પર આધાર રાખે છે. તમે જે પણ રોકાણ કરો છો તેટલું જ રોકાણ સરકાર દ્વારા કરવામાં આવે છે.