Hydrogen Train: હરિયાણામાં આજથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરૂ, જાણો તેની વિશેષતાઓ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Hydrogen Train: આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ્રેનને પહેલા જીંદ રૂટ પર જ ચલાવવામાં આવશે, ત્યારબાદ તેને દેશના અન્ય ઘણા નાના રૂટ પર ચલાવવામાં આવશે. હવે સવાલો એ થાય કે આ હાઇડ્રોજન ટ્રેન શું છે, અન્ય ટ્રેનો કરતાં આ કઈ રીતે અલગ છે, તેની સ્પીડ શું હશે, હાઇડ્રોજન ટ્રેનથી ભારતને શું ફાયદો થશે? ચાલો જાણીએ.

હાઇડ્રોજન ટ્રેન શું છે અને અન્ય ટ્રેન કરતા કેટલી અલગ છે જાણો 

- Advertisement -

હાઇડ્રોજન ટ્રેન એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટૅક્નોલૉજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોને બદલે હાઇડ્રોજન ગેસનો ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઇડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે.

હાઇડ્રોજન ટ્રેનથી ભારતને કેટલો ફાયદો થશે?

– પ્રદૂષણમાં ઘટાડો: ભારતમાં ખાસ કરીને શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. હાઇડ્રોજન ટ્રેનનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે, કારણ કે તેમાંથી માત્ર પાણીની વરાળ નીકળે છે. આ ટ્રેન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી.

– ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો: હાઇડ્રોજન ટ્રેન ભારતમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને પણ ઘટાડી શકે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરશે. ભારતના ‘નેટ ઝીરો’ તરફના પગલાં તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.સ

– હાઇડ્રોજન ઉત્પાદન માટેની તકો: ભારતમાં હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સૌર, પવન અને હાઇડ્રોઇલેક્ટ્રિક ઊર્જા જેવા રિન્યુએબલ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે. આનાથી ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે.

– મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો: હાઇડ્રોજન ટ્રેનનો મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો છે કારણ કે તેમાં આંતરિક દહન એન્જિન નથી. તેનાથી રેલ્વેના સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

– નવા ઉદ્યોગો અને રોજગાર સર્જન: હાઇડ્રોજન ટ્રેન ટૅક્નોલૉજીનો વિકાસ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેમ કે હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ.

– નવીનીકરણીય ઉર્જા દ્વારા અર્થતંત્રમાં વૃદ્ધિ: ભારતમાં હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર અને પવન ઉર્જાને સંયોજિત કરવાથી નવા પુનઃપ્રાપ્ય ઉર્જા એકમોની સ્થાપના થઈ શકે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે.

– રેલવે નેટવર્કનું આધુનિકીકરણ– હાઇડ્રોજન ટ્રેનનો ઉપયોગ રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકે છે. ખાસ કરીને, એવા વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ થઈ શકતું નથી, ત્યાં હાઇડ્રોજન ટ્રેન ઉત્તમ વિકલ્પ બની શકે છે.

ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 હશે

હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ વધુ છે, ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 હશે, જે સામાન્ય પેસેન્જર ટ્રેન કરતાં વધુ હશે. જો કે તે રાજધાની, વંદે ભારત અને શતાબ્દી જેવી ટ્રેનો કરતાં ઓછી ઝડપે દોડશે.

હરિયાણામાં ટ્રાયલ

હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર આજથી શરુ થનારી આ ટ્રાયલ ભારતીય રેલવે માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ 89 કિલોમીટરના રૂટ પર ટ્રેનની ટેકનિકલ ક્ષમતા, સલામતીના ધોરણો અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ પરીક્ષણ બાદ તેને નિયમિત કામગીરીમાં લાવવાની યોજના છે. આ ટ્રેનનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને તે સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપશે.

35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના

રેલ્વે મંત્રાલય ‘હાઇડ્રોજન ફોર હેરિટેજ’ પ્રોજેક્ટ હેઠળ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે, જેના માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ માર્ગો પર હાઇડ્રોજન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હેરિટેજ અને ડુંગરાળ માર્ગો પર સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો તેમજ આ માર્ગોને નવી ઓળખ આપવાનો છે.

Share This Article