કેવડિયા, તા. 31 : પ્રકાશ પર્વ દિવાળી પોતાના રાજ્યમાં ઉજવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા કેવડિયા પહોંચ્યા હતા. આ અવસરે સમારોહ સંબોધતાં વડાપ્રધાને `એક હૈં તો સેફ (સુરક્ષિત)?હૈં’નો મંત્ર આપ્યો હતો. આ મંત્ર બોલનારાઓને કેટલાંક લોકો ખોટાં કહે છે. આવાં લોકોને દેશની એકતા ખટકે છે, તેવા પ્રહાર મોદીએ વિપક્ષ પર કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ?યુનિટી પહોંચીને લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામતી પણ લીધી હતી. સરદાર જયંતી નિમિત્તે યોજિત સમારોહમાં મોજુદ જનસમુદાયને એકતાના શપથ લેવડાવતાં વિપક્ષ પર નિશાન સાધીને મોદીએ કહ્યું હતું કે, કેટલાંક લોકોને દેશની એકતા ખટકે છે.
આ વખતનો રાષ્ટ્રીય એકતા દિવસ અદ્ભુત સંયોગ લઇને આવ્યો છે. એકતરફ આજે આપણે એકતાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. બીજી તરફ દિવાળીનો પાવન પર્વ પણ છે. હવે તો દિવાળીનો તહેવાર ભારતને દુનિયા સાથે પણ જોડી રહ્યો છે. તેવું કહેતાં વડાપ્રધાને દેશને દિવાળીની શુભેચ્છા આપી હતી. બંધારણની માળા જપનારાઓએ જ તો બંધારણનું અપમાન કર્યું છે, તેવા પ્રહાર વિપક્ષો પર કરતા મોદીએ કહ્યું હતું કે, આઝાદીના સાત દાયકા બાદ જે દેશમાં `એક દેશ એક બંધારણ’નો સંકલ્પ પૂરો થયો છે. સરદાર સાહેબને મારી આ સૌથી મોટી અંજલિ છે. કાશ્મીરમાંથી કલમ 370ને હંમેશ માટે જમીનમાં દાટી દીધી છે. પહેલીવાર કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં ભેદભાવ વિના શાંતિપૂર્વક મતદાને થયું. પહેલીવાર કાશ્મીરના મુખ્યમંત્રીએ ભારતના સંવિધાનના શપથ લીધા તેવું તેમણે કહ્યું હતું. એ સિવાય વડાપ્રધાને આતંકવાદ, ભાગલાવાદ, નક્સલવાદ, વિદેશનીતિ સહિતના આઠ મુદ્દા પર વાત કરી હતી.
નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, ચાર કેન્દ્રીય સશત્ર દળ, એનસીસી અને એક માર્ચિંગ બેન્ડની 16 ટુકડીઓ સમાવતી એકતા પરેડ વડાપ્રધાને જોઇ હતી. આજે સવારે 7.30 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત દેશ હવે સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યો છે. કાશ્મીરે ભાગલાવાદના એજન્ડાને હાર આપી છે. આજે ભારત પાસે દૃષ્ટિ, દૃઢતા અને દિશા છે તેવી વાતો વડાપ્રધાને કરી હતી.