India Stopped Water Flow of Chenab to Pakistan: કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહ્યું છે. જેના પગલે ભારતે 24 એપ્રિલના રોજ એક નિર્ણય લીધો હતો જેમાં વર્ષ 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
ભારતે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ અટકાવ્યો
આ સંધિ હેઠળ, સિંધુ નદી અને તેની સહાયક નદીઓ ચિનાબ, જેલમ અને સતલજનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલા છે. સંધિ મુજબ ચિનાબ અને અન્ય પશ્ચિમી નદીઓના પાણી મુખ્યત્વે પાકિસ્તાનને જાય છે, જ્યારે ભારતને મર્યાદિત ઉપયોગનો અધિકાર છે.
જોકે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતને આ કડક પગલું ભરવાની ફરજ પાડી. સરકારનું કહેવું છે કે પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને સરહદ પારથી થતી ઘૂસણખોરીને સતત ટેકો આપવાને કારણે આ સંધિ હવે ભારતના હિતોની વિરુદ્ધ છે.
ભારતથી એક પાણી ટીપું પણ પાકિસ્તાન ન જાય: સી.આર. પાટીલ
આ નિર્ણય હેઠળ, ભારતે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ વહેતો અટકાવી દીધો છે, જેની અસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જોવા મળી રહી છે. જ્યારે કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ‘સરકાર એવી રણનીતિ પર કામ કરી રહી છે કે ભારતથી એક પાણી ટીપું પણ પાકિસ્તાન ન જાય.’
પાકિસ્તાનની ખેતી અને પીવાના પાણી માટે ચિનાબનું પાણી મહત્ત્વપૂર્ણ
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ પગલા બાદ, પાકિસ્તાનના પંજાબના સિયાલકોટમાં મરાલા હેડવર્કસના સ્થાનિકોએ અહેવાલ આપ્યો કે ચિનાબ નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ચિનાબ નદી પાકિસ્તાનની ખેતી અને પીવાના પાણી પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ છે.