904 રેટિંગ સાથે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે રચ્યો વિક્રમ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

દુબઈ, તા.2પ : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં ખતરનાક બોલિંગ કરી રહેલા ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી ક્રમાંકમાં ઇતિહાસ રચ્યો છે. બુમરાહે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 904 રેટિંગ પોઇન્ટ સાથે ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં પહેલાં સ્થાને દબદબો બનાવ્યો છે.

આ સાથે જ બુમરાહે ભારત તરફથી સૌથી રેટિંગના મામલે હાલમાં જ સંન્યાસ લેનાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. અશ્વિને ડિસેમ્બર-2016માં આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં 904 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચમાં બુમરાહ કુલ 21 વિકેટ લઈ ચૂક્યો છે. આથી તેણે બીજી સ્થાન પરના આફ્રિકાના બોલર કાગિસો રબાડા પર 48 પોઇન્ટની સરસાઈ મેળવી લીધી છે. રબાડાના 8પ6 પોઇન્ટ છે. ત્રીજાં સ્થાને ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ (8પ2) છે. જે ઇજાને લીધે ચોથા અને પાંચમા ટેસ્ટની બહાર થઈ ગયો છે.

- Advertisement -

કાંગારુ કપ્તાન પેટ કમિન્સ (822) ચોથા અને હાલમાં જ નિવૃત્તિ લેનાર ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન (789) પાંચમા ક્રમે છે. ન્યુઝીલેન્ડનો મેટ હેનરી છઠ્ઠા અને કાંગારુ સ્પિનર નાથન લિયોન સાતમા ક્રમે છે. શ્રીલંકાનો પ્રભાસ જયસૂર્યા અને પાકિસ્તાનનો નોવાન અલી 9મા નંબર પર છે. રવીન્દ્ર જાડેજાને ચાર સ્થાનનું નુકસાન થયું છે અને 10મા નંબર પર છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને 1 ક્રમનો ફાયદો થયો છે અને 24મા નંબર પર છે.

Share This Article