ગાંધીધામ, તા. 12 : રેલવના નવા બદલાયેલા સ્વરૂપમાં વંદે ભારત શ્રેણીની સેમિ હાઈસ્પીડ ટ્રેનનો વર્ષ 2019થી આરંભ થયા બાદ આ જ શ્રેણીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થશે. આ ટ્રેનની સમયસારણી રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવી છે અને આગામી સપ્તાહે જ કચ્છમાં હાઈસ્પીડ ટ્રેનના યુગની શરૂઆત થઈ જશે. જો કે અનારક્ષિત આ ટ્રેનના ટિકિટના દર અને ટિકિટ કઈ રીતે મળશે તે અંગે હજુ સુધી કોઈ બાબત સત્તાવાર રીતે બહાર આવી નથી. કચ્છવાસીઓ લાંબા સમયથી જે સમય સાથેની ટ્રેનની માંગ કરતા હતા, તે જ સમયસારણી સાથે ટ્રેનનું શિડયુઅલ જાહેર થતાં હર્ષની લાગણી પ્રસરી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેલવે બોર્ડના ડાયરેકટર કોચીંગ સંજય આર. નિલમે આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને સી.પી.ટી.એમ.ને વંદે મેટ્રો ભુજ-અમદાવાદના રૂટ, સમય સહિતની વિગતો સાથેનો પરિપત્ર જારી કર્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી વંદે મેટ્રો ટ્રેનનો નંબર (94802-94801) રહેશે. 94802 નંબરની ટ્રેન ભુજથી સવારે 5.05 વાગ્યે રવાના થઈ અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વીરમગામ, ચાંદલોડીયા, સાબરમતી સહિતના સ્ટેશનોએ થોભીને સવારે 10.50 વાગ્યે 5 કલાક 45 મીનીટમાં અમદાવાદ પહોંચશે. પરત 94801 નંબરની ટ્રેન સાંજે 5.30 વાગ્યે અમદાવાદથી રવાના થઈ રાત્રે 11.10 વાગ્યે ભુજ પહોંચશે. ગાંધીધામમાં 10 મીનીટ જ્યારે અન્ય તમામ સ્ટેશનોએ બે મીનીટનો સ્ટોપ અપાયો છે. જો કે આ જારી કરાયેલા પરિપત્રમાં ટ્રેન શરૂ કરવાની કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી કરાયો પરંતુ તા. 16મીએ ભુજથી સાંજે 4 વાગ્યે આ ટ્રેનને ખાસ ટ્રીપ તળે રવાના કરાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. 12 કોચની આ ટ્રેન અનારક્ષિત રહેશે. પરંતુ એક વાત એવી વહેતી થઈ છે કે ટ્રેનમાં ટીકીટ અપાશે અને ટીકીટના દર અનેકગણા હશે તેવી પણ અટકળો આજે સોશિયલ મીડીયામાં વહેતી થઈ હતી ત્યારે રેલવેના આંતરીક સુત્રો આ ટ્રેનનું ફેર હજુ સુધી નક્કી ન થયું હોવાનું કહી દર વધુ નહીં જ હોય તેવું જણાવ્યું હતું.
આ ટ્રેન શરૂ થવાથી મેડીકલ, શિક્ષણ અને વેપાર માટે જતા લોકોને અમદાવાદમાં પુરતો સમય મળશે અને એક જ દિવસમાં પરત ફરી શકશે. અત્યાર સુધી જેટલી ટ્રેનોની જાહેરાત થઈ ત્યારે ભુજથી અમદાવાદની ટ્રેન વહેલી પરોઢીયે રવાના કરાય તેવી માંગ વખતોવખત કરવામાં આવી છે જે અંતે પુરી થઈ છે. – અમદાવાદમાં મુંબઈ જવા અને કચ્છ આવવા માટે બંનેની લિન્ક : ગાંધીધામ, તા. 12 : વંદે મેટ્રો ટ્રેનનું સમયપત્રક રેલવે દ્વારા આજે જારી કરાયું છે, ત્યારે આ ટ્રેનના કારણે અમદાવાદથી મુંબઈ જવા અને કચ્છ આવવાની લિન્ક મળશે. આ ટ્રેન સવારે 10.50 વાગ્યે અમદાવાદ પહોંચી જશે જેથી મુંબઈ જવા માગતા પ્રવાસીઓ અમદાવાદથી બપોરે 2.30 વાગ્યાની વંદે ભારત ટ્રેન પકડી શકશે.
આ ઉપરાંત મુંબઈથી સવારે 6 વાગ્યે ઉપડતી વંદે ભારત ટ્રેન બપોરે અમદાવાદ પહોંચે છે. તે અને આ ટ્રેન વચ્ચે પણ ત્રણેક કલાકનો ફરક છે અને સાંજે 5.30 વાગ્યે મેટ્રો ટ્રેન પકડી શકશે. – વંદે મેટ્રોમાં ભુજથી 311, ગાંધીધામથી રૂ.301 અમદાવાદની ટીકીટનો દર : ગાંધીધામ, તા. 12 : રેલવે દ્વારા આગામી 16 તારીખથી વંદે મેટ્રોનો આરંભ કરાયો છે રેલવે દ્વારા મોડી સાંજે આ વંદે મેટ્રો (ફુલી એરકન્ડીશન અનરીઝવર્ડ ) ટ્રેનના દર અંગે પરિપત્ર જારી કરાયો છે જેમાં ભુજ અને ગાંધીધામ વચ્ચે ઓછુ ભાડુ નિધારીત થયું છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયયેલા પરિપત્રમાં વંદે મેટ્રો ટ્રેનનું મીનીમમ ભાડુ (50 કીલોમીટર સુધી ) જીએસટી સાથે રૂ. 30 નક્કી કરાયું છે. આગામી 16 તારીખથી ભુજ- અમદાવાદ વચ્ચે શરૂ થનારી આ ટ્રેનના ભાડા ઉપર નજર કરીએ તો ભુજથી અમદાવાદ વચ્ચે રૂ. 311 અને ગાંધીધામ થી અમદાવાદ વચ્ચે નું ભાડુ 301 રૂપીયા રહેશે. આ ઉપરાંત વંદે મેટ્રો ટ્રેનમાં રેલવે દ્વારા મહીનાના અને પખવાડીક પાસની પણ સુવિધા આપવામાં આવી છે. જેમાં અંદાજ પ્રતિ કી.મી દોઢ રૂપીયાનો દર વસુલવામાં આવશે. આ દર મુજબ કચ્છના લોકોને ઓછા ખર્ચે આધુનીક ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થઈ છે.