Kunal Kamra Case: દેશદ્રોહી ટિપ્પણી કેસમાં કુણાલ કામરાનું મોટું પગલું, બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Kunal Kamra Case: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર કથિત રીતે ‘દેશદ્રોહી’ ટિપ્પણી કરી હતી. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.

21 એપ્રિલે આ કેસની સુનાવણી કરવામાં આવશે

- Advertisement -

બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ અનુસાર, કામરાએ 5મી એપ્રિલે FIR રદ કરવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે નોંધાયેલ FIR બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જસ્ટિસ સારંગ વી. કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ એમ. મોડકની બેન્ચ 21 એપ્રિલે આ કેસની સુનાવણી કરશે.

કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર થયો ન હતો

- Advertisement -

આ કેસમાં ત્રીજી વખત સમન્સ પાઠવ્યા બાદ પણ કુણાલ કામરા શનિવારે ફરી મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 24 માર્ચે કામરા વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે બાદમાં ઝીરો એફઆઈઆર ખાર પોલીસને ટ્રાન્સફર કરી હતી.

 કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં કરી હતી અરજી

- Advertisement -

ગયા મહિને, મદ્રાસ હાઈકોર્ટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી માટે મુંબઈમાં નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં કુણાલ કામરાને 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તે ઉત્તર તમિલનાડુ જિલ્લાનો કાયમી રહેવાસી છે અને તેને ડર છે કે જો તે મહારાષ્ટ્ર આવશે તો તેની તુરંત ધરપકડ કરવામાં આવશે અને કોઈ તેના પર હુમલો કરી શકે છે.

કુણાલ કામરાએ કહ્યું હતું કે, ‘મારી સામે કરવામાં આવેલી ફરિયાદ રાજકીય રીતે પ્રેરિત છે.’

આ દરમિયાન કામરાએ ખાર પોલીસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું નિવેદન રેકોર્ડ કરવા કહ્યું છે. તેમજ, ખાર પોલીસે કુણાલની ​​આ વિનંતીનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

Share This Article