Kunal Kamra jokes on Eknath Shinde: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા ઉદ્ધવ ઠાકરે કુણાલ કામરાના સમર્થનમાં ખુલીને આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે. ગીતમાં કંઈ જ ખોટું નથી.’ ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના જૂથની શિવસેના દ્વારા કુણાલ કામરાને જ્યાં મળે ત્યાં મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તે વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.
જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં
અગાઉ સપા સાંસદ જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે? જ્યારે હોબાળો થાય ત્યારે જ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા હોય છે. તમે (એકનાથ શિંદે) સત્તા માટે તમારો મૂળ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા. શું આ બાલાસાહેબ ઠાકરેનું અપમાન નથી?’
જાણો શું છે સમગ્ર વિવાદ
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક હોટલમાં કોમેડી કરતી વખતે શિવસેનાના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં ગીત પર પેરોડી બનાવી હતી. જેમાં તેણે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ગદ્દાર ગણાવ્યા હતા . આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં શિવસેનાના કાર્યકારો રોષે ભરાયા હતા.
શિંદે જૂથના શિવસૈનિકો વીડિયો બાદ નારાજ થયા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો છે કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.