Lata Mangeshkar Family is a Gang of robbers: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી વિજય વાડેટ્ટીવારે ગુરુવારે આરોપ લગાવ્યો કે, ‘મંગેશકર પરિવાર “લૂંટારાઓની ટોળકી” હતી, જેઓએ ક્યારેય કોઈ સમાજનું ભલું કર્યું નથી. નેતાના આ નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોએ આ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે.
ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ થયો વિવાદ
વાડેટ્ટીવારનું આ નિવેદન પુણેમાં એક ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ થયેલા વિવાદ પછી આવી છે, જેને શહેરની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો કથિત રીતે ઈનકાર કરવામાં આવ્યો હતો.
તનિષા ભીસેને 10 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા ન કરાવવા કહ્યુ
ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય (MLC) અમિત ગોરખેના અંગત સચિવની પત્ની તનિષા ભીસેને 10 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા ન કરાવવા બદલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તનિષાને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યા તેમનું મૃત્યુ થયું હતું.
મંગેશકર પરિવાર માનવતા પર એક કલંક છે: વડેટ્ટીવાર
વડેટ્ટીવારે નિવેદનમાં કહ્યું કે, ‘મંગેશકર પરિવાર માનવતા પર એક કલંક છે. આ લૂંટારાઓની ટોળકી છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, તેમણે સમાજના કલ્યાણ માટે કોઈ દાન આપ્યું હોય ? માત્ર એટલા માટે કે, તેઓ સારું ગાય છે, તેમની પ્રશંસા કરવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે, આ હોસ્પિટલ માટે જમીન દાનમાં આપનાર વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. ફાયદા માટે ધર્માર્થ હોસ્પિટલ શરૂ કરીને ગરીબોને લૂંટવાનું બંધ કરવું જોઈએ.’
જો કે, કોંગ્રેસ નેતાના આરોપો બાદ હજુ સુધી મંગેશકર પરિવાર તરફથી તેના પર કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.
ખિલારે પાટિલ પરિવારે હોસ્પિટલ માટે જમીન દાનમાં આપી હતી
પુણેના એરંડવાને વિસ્તારમાં છ એકરમાં બનેલી 800 બેડની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ માટે જમીન ખિલારે પાટિલ પરિવારે દાનમાં આપી હતી. 2001માં સ્થપાયેલી આ હોસ્પિટલનું નામ મરાઠી ગાયક અને અભિનેતા દીનાનાથ મંગેશકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સુપ્રસિદ્ધ ગાયિકા અને ‘ભારત રત્ન’ પુરસ્કાર વિજેતા લતા મંગેશકરના પિતા છે.