સરકારી રિફાઈનરી કંપની ઈન્ડિયન ઓઈલે જાહેર કરેલા તાજા રેટ મુજબ દિલ્હીમાં ૧ એપ્રિલથી ૧૯ કિલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૪૧ ઘટીને રૂ. ૧૭૬૨ થયો છે, જે અગાઉ રૂ. ૧૮૦૩ હતો. કોલકાતામાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૯૧૩થી રૂ. ૪૪.૫૦ ઘટીને રૂ. ૧૮૬૮.૫૦ થયો છે. મુંબઈમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. ૧૭૫૫.૫૦થી ઘટીને રૂ. ૧૭૧૩.૫૦ થઈ છે. ચેન્નઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૧૯૨૧.૫૦ થયો છે, જે માર્ચમાં રૂ. ૧૯૬૫.૫૦ હતો. જોકે, ૧૪ કિલોના ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.
એલપીજીના ભાવમાં ઘટાડો કરવા સાથે જેટ ફ્યુઅલ એટલે કે વિમાન ઈંધણ અથવા એટીએફના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો છે. એવિએસન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ પ્રતિ કિલોલીટર રૂ. ૫,૮૭૦.૫૪ ઘટાડીને રૂ. ૮૯૪૪૧.૧૮ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ગયા વર્ષે માર્ચની મધ્યમમાં રૂ.નો ઘટાડો કર્યા પછી સ્થિર રહ્યા છે. તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. ૯૪.૭૨ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ.૮૭.૬૨ છે. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને પણ તેના ૭.૫ કરોડ સભ્યોને રાહત આપી છે. હવે પીએફના ખાતામાંથી નાણાં ઉપાડવા માટે ઓટો સેટલમેન્ટ લિમિટ વધારીને રૂ. ૫ લાખ કરી દેવાઈ છે, જે અત્યાર સુધી રૂ. ૧ લાખ હતી. એટલે કે હવે કોઈપણ દસ્તાવેજો વિના પીએફ ખાતાધારક તેના ખાતામાંથી રૂ. ૫ લાખ ઉપાડી શકશે. સાથે જ અત્યાર સુધી જે ક્લેમ સેટલમેન્ટ માટે ૧૦ દિવસ થતા હતા, તે હવે માત્ર ૩-૪ દિવસમાં જ થઈ જશે. આ સિવાય ઈપીએફઓએ લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા માટે પણ પીએફ ઓટો-ક્લેમની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. અગાઉ માત્ર બીમારી અને હોસ્પિટલના ખર્ચ માટે જ પીએફ ખાતામાંથી ઓટો ક્લેમ મળતો હતો.
રિપોર્ટ મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુમિતા ડાવરાનાં અધ્યક્ષપદે સીબીટીની શ્રીનગરમાં થયેલી બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. આ સિવાય હવે ઈપીએફઓ સભ્ય આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં યુપીઆઈ અને એટીએમના માધ્યમથી પણ પીએફની રકમ ઉપાડી શકશે.
નવા ટેક્સ સ્લેબ ઉપરાંત ટીડીએસના નિયમોમાં પણ સુધારા કરાયા છે, જેમાં અનાવશ્યક કાપ ઓછો કરવા અને કરતાતા માટે રોકડ પ્રવાહમાં સુધારો કરવા વિવિધ વર્ગોમાં મર્યાદા વધારાઈ છે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર ટીડીએસની મર્યાદા બમણી કરેન રૂ. ૧ લાખ કરી દેવાઈ છે. એ જ રીતે ભાડાંની આવક પર છૂટની મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરાઈ છે.