Maha Kumbh 2025 : કુંભ વિવાદમાં રાહુલ ગાંધીને ઘેરવા ગયેલું ભાજપ જાતે ફસાયું, ભાગવત અને PM મોદીને ઘેર્યા વિપક્ષે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Maha Kumbh 2025 : પ્રયાગરાજ ખાતેનો કુંભ મેળો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ આ બાબતે રાજકીય વાગ્યુદ્ધ ચાલુ છે. ભાજપે રાહુલ, પ્રિયંકા કે સોનિયા ગાંધી પણ કુંભ મેળામાં સ્નાન માટે ગયાં નથી અને આ રીતે તેમનો હિંદુ ચહેરો સામે આવ્યો છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. હવે વિપક્ષો એવો સવાલ કરી રહ્યા છે કે એમ તો આરએસએસના વડા મોહન ભાગવત પણ કુંભ સ્નાન માટે ક્યાં ગયા છે ? ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પહેલાંના વર્ષોમાં કુંભ સ્નાન માટે પહોંચ્યા હોય તેવી તસવીરો કેમ નથી.

ભાજપ દ્વારા પાછલા કેટલાક દિવસોમાં કોંગ્રેસને હિંદુ વિરોધી દર્શાવવા માટે કુંભ મેળા તથા રામ મંદિર સહિતના મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે. ભાજપના નેતાઓ પણ જાહેરમાં આ વિશે ઉચ્ચારણો કરી રહ્યા છે.

- Advertisement -

જોકે, આ નિવેદનો કરવા જતાં ભાજપવાળા માટે આવ પાણા પગ પર જેવી સ્થિતિ થઈ છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર અન્ય લોકો પણ ભાજપના કયા કયા નેતાઓ કુંભ સ્નાન માટે પહોંચ્યા નથી તેની યાદી ફેરવી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પોતે કુંભ સ્નાન માટે પહોંચ્યા પછી એવું નિવેદન કર્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પોતાને હિંદુત્વવાદી નેતા કહેડાવે છે પરંતુ તેઓ કુંભ સ્નાન માટે આવ્યા નથી. તેઓ પોતાને હિંદુ કહેડાવતાં ડરે છે.

- Advertisement -

આ નિવેદનનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શિંદે ભલે કુંભ સ્નાન કરી આવ્યા પરંતુ તેનાથી 50 ખોખા લઈને મહારાષ્ટ્રને દગો આપવાનું પાપ ધોવાશે નહિ.

હવે સંજય રાઉતે પણ આ વિવાદમાં ઝંપલાવતાં કહ્યું છે કે શિંદેએ વાસ્તવમાં કુંભમાં સ્નાન માટે કેમ ન આવ્યા તે સવાલ ઉદ્ધવને બદલે મોહન ભાગવતને પૂછવો જોઈએ. શું તેમનામાં એવી હિંમત છે ?

- Advertisement -

રાઉતે એમ પણ કહ્યું હતું કે ભાગવત પહેલાં પણ આરએસએસના સ્થાપક કે બી હેગડેવાર, અગાઉના સંઘના વડાઓ સુદર્શન, ગોલવલકર, બાળા સાહેબ દેવરસ વગેરે પણ કુંભ સ્નાન માટે પહોંચ્યા હોય તેવું જાણવા મળતું નથી. હિંદુત્વના સિદ્ધાતં આપનારા વીર સાવરકર પણ ક્યારેય કુંભ સ્નાન માટે ગયા હોય તેવું જોવાયું નથી.

રાઉતે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી આ વખતે કુંભ સ્નાન માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા પહેલાં ક્યારેય કુંભ સ્નાન માટે પહોંચ્યા હોય તેવો કોઈ ઉલ્લેખ નથી. તો શું આ વખતે તેઓ માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે જ ત્યાં ગયા હતા ?

સોશિયલ મીડિયા પર પણ અન્ય લોકો એવી ટીકાટિપ્પણ કરી રહ્યા છે કે કુંભમાં હાજરીને જ હિંદુ ધર્મમાં આસ્થાના પુરાવા તરીકે ગણવી જોઈએ નહીં. ભાજપના અનેક નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, અનેક ધર્મ ગુરુઓ કુંભ સ્નાન માટે ગયા નથી. તો શું તે બધાને પણ ભાજપ હિંદુ વિરોધી માને છે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.

Share This Article