નવી દિલ્હી, તા. 7 : મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓમાં `ઈન્ડિયા’ જોડાણનાં નબળાં પ્રદર્શનથી નારાજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, ઈન્ડિયા જોડાણ મેં બનાવ્યું છે. તેનું નેતૃત્ત્વ કરનારા યોગ્ય રીતે ચલાવી નથી શકતા, તો મને મોકો આપે. હું બંગાળમાંથી જ જોડાણનું નેતૃત્ત્વ કરવા તૈયાર છું. આવી તૈયારી બતાવીને બંગાળી વાઘણે કોંગ્રેસને મોટો પડકાર ફેંક્યો છે. દરમ્યાન, રાજકીય જગતના જાણકારો મમતા બેનર્જીની આ ઈચ્છાને તેમના જોડાણમાંથી `એક્ઝિટ?પ્લાન’ એટલે કે, બહાર નીકળી જવાની યોજનાનો એક ભાગ છે.
સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોના નેતૃત્વનો સ્વીકાર નહીં કરે અને દીદીનો બહાર જવાનો માર્ગ મોકળો બની જશે. દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણીથી પહેલાં કોંગ્રેસનાં નેતૃત્વ સામે સવાલ ઊઠાવીને બંગાળી વાઘણે `ઈન્ડિયા’ જોડાણમાં ખળભળાટ મચાવી દીધો છે. આમેય મહારાષ્ટ્ર અને હરિયાણામાં કારમી હાર બાદ કોંગ્રેસ વિપક્ષી જોડાણના નિશાને છે. ભાજપે મમતાના આ નિવેદન પર કહ્યું હતું કે, વિપક્ષના નેતાઓને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્ત્વ પર ભરોસો નથી રહ્યો.
વિપક્ષો હજુય રાહુલને રાજનીતિના કાચા ખેલાડી માને છે. બંગાળી વાઘણનાં નિવેદનનું શિવસેના (ઉદ્ધવ)ના સાંસદ સંજય રાઉત અને સમાજવાદી પક્ષ (સપા)એ સમર્થન કર્યું હતું. રાઉતે શનિવારે કહ્યું હતું કે, મમતા `ઈન્ડિયા’ના પ્રમુખ ભાગીદાર બને તેવું અમે પણ ઈચ્છીએ છીએ. મમતા બેનર્જી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે શિવસેના અમે સૌ એક છીએ. અમે જલ્દી કોલકાતામાં મમતાજી સાથે વાત કરવા જવાના છીએ, તેવું રાઉતે ઉમેર્યું હતું. સપા નેતા ઉદયવીરસિંહે પણ કહ્યું કે, તમામ પક્ષ સહમત હોય તો સપા પણ મમતાના સમર્થનમાં છે. એક સવાલના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ એક અનુશાસિત પક્ષ છે અને પક્ષ જ મારા ઉત્તરાધિકારી નક્કી કરશે. પ્રશાંત કિશોરની મદદ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, ઘર બેઠા સર્વે કરી પછી સર્વે બદલી દેનારાઓ મતદારોને બૂથ સુધી લાવી નથી શકતા.