હદ છે હવે ! જે ગોલ સાથે તમે ટીનએજ અવસ્થાથી જ મંડેલા રહો, દિન રાત આંખોમાં તેલ આંજી સપના જુવો તે જ પરીક્ષામાં ગોટાળાઓ, ગેરરીતિઓ અને છેતરામણી થાય અને આખરે આ પરીક્ષા જ કેન્સલ થાય તો તમને કેવું લાગે ? તમારી મહેનત એક ઝાટકે જ ફેલ થાય તો સપના રોળાઈ જાય છે.ડિપ્રેશનમાં આવી જવાય છે, હતાશ થઇ જવાય છે. ત્યારે અસલમાં અહીં મલાઈ જ મલાઈ ભળી ગયેલ લોકોની આખી ગેંગ સક્રિય છે અને તેના મૂળિયાં અને જડ છેક ઉપરથી લઇ નીચે સુધી ફેલાયેલા છે.એક રાજ્યનું નામ આવે છે પરંતુ જોવામાં આવે તો તેના રેલા બીજા રાજ્યોમાં પણ ફેલાયેલા હોય છે.મીન્સ કે અહીં એક આખી ઓર્ગેનાઇઝડ ગેમ જ સક્રિય થઇ આ ગેરરીતિને ધંધો બનાવી દીધો છે.
અને વળી આ મામલો જ એટલો ઓકવર્ડ અને ગૂંચવાયેલો હતો કે, આનો રસ્તો પણ કોઈ નીકળી શકે તેમ ન્હોતો અને એટલે જ આખરે પરીક્ષા રદ થઇ અને હજારો સ્ટુડન્ટ્સની મહેનત અને સપનાઓ પણ પેપર લિકની સાથે લીકેજ થઇ ગયા.અને ફરી એકવાર આટલી મહેનત કરી ફરી તૈયારી કરવી તે આ માનસિક અવસ્થામાં આસાન ન હોય.કેમ કે, એકવાર તેમની મહેનત પાણીમાં ગઈ જ છે અને છેતરાયાનો અહેસાસ છે ત્યાં રહી સહી હીંમત પણ પાણીમાં બેસી જ જાય છે.ફરી આટલી મહેનત અને પડકાર તે કોઈપણ યુવાનને માનસિક રીતે તોડી નાખે છે.બહુ થાય હવે આ ધંધો યુવાનોને બરબાદ કરી રહ્યો છે અને આ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ આબાદ છટકી ફરી નવા ટાર્ગેટ સાથે બહાર આવે છે.
તેવામાં એક કદાચ ક્યાંક સારા સમાચાર છે કે, પેપર લીકને લઈને સવાલોનો સામનો કરી રહેલી મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીઓમાં ભરતી માટે લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોડી રાત્રે પેપર લીક સામે નવો કાયદો અમલમાં મૂક્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પેપર લીક એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને હવે સરકારે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેને ‘પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024’ નામ આપવામાં આવ્યું છે. પેપર લીક વિરોધી અધિનિયમ એટલે કે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 હેઠળ, પેપર લીકના કિસ્સામાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં દેશના કોઈપણ વિદ્યાર્થી સાથે આવી છેતરામણી ન થાય અને આવી પરીક્ષાઓમાં લાયકાતના ધોરણે જ લોકોને અગ્રીમતા મળે તો દેશને અને વિદ્યાર્થીને પણ ન્યાય મળશે.ત્યારે આ જોગવાઈઓ અંગે જોઈએ તો,
પેપર લીક વિરોધી કાયદામાં શું છે જોગવાઈઓ?
પેપર લીક વિરોધી કાયદામાં, પેપર લીક માટે સજાની જોગવાઈ છે અને ડમી ઉમેદવારોની નિમણૂક માટે પણ જોગવાઈ છે. કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ પેપર લીક કેસમાં દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. આ સિવાય જો અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવામાં દોષી સાબિત થશે તો ગુનેગારને 3 થી 5 વર્ષની જેલ થશે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. પરીક્ષામાં ગેરરીતિના કિસ્સામાં કોઈપણ સંસ્થાનું નામ પ્રકાશમાં આવશે તો પરીક્ષાનો સમગ્ર ખર્ચ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. સાથે જ સંસ્થાની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં ભારતીય ન્યાયિક સંહિતાના ઉલ્લેખ છે પરંતુ એ પણ જણાવે છે કે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ તેના અમલીકરણ સુધી અમલમાં રહેશે. કોડ અને અન્ય ફોજદારી કાયદા 1 જુલાઈથી અમલમાં આવવાના છે.
શું પરીક્ષાર્થીઓને પણ આ કાયદાની અસર થશે?
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનાર ઉમેદવારો અથવા ઉમેદવારો આ કાયદાના દાયરામાં સમાવિષ્ટ નથી અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની જોગવાઈ નથી. તમને જણાવી દઈએ કે સંસદમાં બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ આ જાણકારી આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે પેપર લીક વિરોધી કાયદાનો હેતુ તમામ જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવાનો છે અને જે લોકો હેરાફેરી કરીને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે તેને રોકવાનો છે. તેથી પરીક્ષાર્થીઓ કે ઉમેદવારોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે.
કઈ પરીક્ષાઓ કાયદાના દાયરામાં છે?
પેપર લીક વિરોધી કાયદાના અવકાશમાં જાહેર પરીક્ષા સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પણ તેમાં સામેલ છે. કાયદાના અવકાશમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC, SSC, રેલવે ભરતી, બેંકિંગ ભરતીનો સમાવેશ થાય છે.
ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેક્નિકલ સમિતિની રચના કરવામાં આવશે
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને પેપર લીક વિરોધી કાયદાને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. જેથી કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને વધુ સુરક્ષિત બનાવી શકાય. પરીક્ષાઓ દરમિયાન ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ફૂલપ્રૂફ આઈટી સુરક્ષા સિસ્ટમનો ઉપયોગ કરવાની પણ જોગવાઈ કરી શકાય છે.
મોદી સરકાર ફેબ્રુઆરીમાં કાયદો લાવી હતી
NET-UGC, UPSC, SSC, રેલ્વે ભરતી, બેંકિંગ વગેરે જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે મોદી સરકારે ફેબ્રુઆરીમાં આ કાયદો લાવ્યો હતો. જાહેર પરીક્ષાઓ (અયોગ્ય અર્થ નિવારણ) એક્ટ 2024 નામ આપવામાં આવ્યું છે. હવે સરકારે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEETમાં અનિયમિતતા વચ્ચે આ કાયદો લાગુ કર્યો છે. આ કાયદાનો હેતુ તમામ જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવાનો અને સ્પર્ધાત્મક યુવાનોને ખાતરી આપવાનો છે કે તેમાં કોઈ ગેરરીતિ નથી.
સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો
બીજી તરફ, NEET-UG વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે ફરીથી કાઉન્સેલિંગ પ્રક્રિયા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે અને NTAને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ પિટિશનની સાથે નવી અરજીઓને પણ ટેગ કરી છે અને આ અરજીઓની સુનાવણી 8મી જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG)-2024ની કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે. સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા કહ્યું કે આ ‘ઓપન એન્ડ ક્લોઝ’ પ્રક્રિયા નથી.
સુપ્રીમ કોર્ટે 5 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને NEET-UGને રદ કરવાની અરજી પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ પાઠવી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતી અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ નિયત કરી છે.
NEET-UG ને લઈને શું છે વિવાદ?
નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UGમાં ગેરરીતિઓને લઈને વિવાદ છે. વાસ્તવમાં, 5મી મેના રોજ આયોજિત NEET-UGમાં ખૂબ ઊંચા માર્ક્સ આપવાના આક્ષેપો થયા છે. જેના કારણે રેકોર્ડ 67 ઉમેદવારોએ 720 માંથી 720 માર્કસ મેળવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પરીક્ષાના પરિણામોમાં માર્કસ અવ્યવસ્થિત રીતે વધ્યા કે ઓછા થયા છે, જેના કારણે રેન્કિંગ પર અસર પડી છે. આ ઉપરાંત 6 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષામાં વિલંબના કારણે થયેલા સમયના વેડફાટની ભરપાઈ કરવા 1500થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ પણ વિવાદ અને તપાસના ઘેરામાં છે. આ સાથે જ કથિત પેપર લીકનો મામલો પણ સામે આવી રહ્યો છે, જેના કારણે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી.
BY : Reena brahmbhatt