પ્રદૂષણ પર નિયંત્રણ માટે MMRDAની ચીમકી, કન્સ્ટ્રક્શન કૉન્ટ્રેક્ટરોને 20 લાખ દંડ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

મુંબઈ : મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા બાદ હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ કમર કસી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ધૂળને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ જનારા કૉન્ટ્રેક્ટરોને ૨૦ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની ચીમકી આપવામાં આવી છે. મુંબઈ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજન એરિયામાં એમએમઆરડીએ દ્વારા ચાલી રહેલા જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામને કારણે એમએમઆરડીએની ક્ન્સ્ટ્રકશન સાઈટ પર નિર્માણ થનારી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક ધોરણે ઉપાયયોજના અમલમાં મૂકવાનો તથા કન્સ્ટ્રક્શન સાઈટ પર નજર રાખવાનો અને કાટમાળના ટ્રાસ્પોર્ટેશન પર નજર રાખવા બહાર પાડેલી ગાઈડલાઈનનું સખત પાલન કરવાનો તમામ કૉન્ટ્રેક્ટરોને આદેશ આપ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ૨૦ લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવાની ચીમકી પણ એમએમઆરડીએ દ્વારા આપવામાં આવી છે.

ગાઈડલાઈન મુજબ એમએમઆરડીએ દ્વારા કાન્ટ્રેક્ટરને પહેલી વખત નિયમનો ભંગ કર્યો તો પાંચ લાખનો દંડ ફટકારશે. બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયો તો તેને ૨૦ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે. સાથે જ તેને સ્ટોપ વર્કની નોટિસ પણ આપવામાં આવશે એવું પણ એમએમઆરડીએ દ્વારા કહેવામાં આવ્યું છે. એમએમઆરડીએના હાલ ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ તથા ભવિષ્યમાં હાથમાં લેવામાં આવનારા પ્રોજેક્ટ માટે ગાઈડલાઈન લાગુ પડશે અને તેનો અમલ થાય છે કે નહીં તેની જવાબદારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને તેણે દર અઠવાડિયે તેનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.

- Advertisement -

દંડ વસૂલી જોરમાં

મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ખાસ કરીને ધૂળને નિયંત્રણમાં લાવવા માટે શનિવારે પાલિકાએ મુંબઈના ૨૪ પ્રશાસકીય સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં એક જ દિવસમાં ૧૮૯ મેટ્રિક ટન કાટમાળ જમા કર્યો હતો. લગભગ ૨૪૩ કિલોમીટર લંબાઈના રસ્તા પાણીથી ધોઈને સાફ કર્યા હતા. તેમજ નિયમોનો ભંગ કરનારા પાસેથી ૨,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. દિવસ દરમિયાન ૧,૬૮૨ કર્મચારી અને ૧૯૦ મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબી ડમ્પર, કૉમ્પેક્ટર, મિકેનિકલ સ્વીપર, પીકર મશીન, પાણીનાં ટેન્કર, મિસ્ટંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
Share This Article