Murshidabad violence: વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે.
સ્થાનિક અહેવાલો અનુસાર ટોળાંએ લૂંટપાટના ઈરાદે હુમલો કર્યો હતો. પિતા અને પુત્રએ ટોળાંનો પ્રતિકાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. મૃતકોના નામ હરગોવિંદ દાસ તથા ચંદન દાસ છે. ગઈકાલે વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવકને પોલીસની ગોળી વાગી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન આજે તે યુવકનું મોત થયું છે.
ગઇકાલે પણ થઈ હતી હિંસા
નોંધનીય છે કે ગઇકાલે જુમ્માની નમાઝ બાદ પણ બંગાળમાં હિંસા થઈ હતી. જેમાં ટોળાં દ્વારા અનેક જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી. ઘણી જગ્યાઓ પર ટોળાં અને પોલીસ વચ્ચે પણ અથડામણ થઈ હતી. અનેક દુકાનો તથા વાહનોમાં પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ટોળાંએ પોલીસના વાહનો તથા આઉટપોસ્ટને પણ આગને હવાલે કરી હતી. ગઇકાલે થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં 118 લોકોની ધરપકડ કરી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પરિસ્થિતિને જોતાં મુર્શિદાબાદમાં સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે.
જીવું છું ત્યાં સુધી વક્ફ કાયદો બંગાળમાં લાગુ નહીં થાય: મમતા બેનરજી
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસા કરી રહેલા લોકોને વાયદો આપ્યો છે કે રાજ્યમાં આ કાયદો લાગુ નહીં થાય. મમતા બેનરજીએ કહ્યું છે કે, ‘જે કાયદાના કારણે તમે નારાજ છો તે અમે નથી બનાવ્યો, કેન્દ્ર સરકાર બનાવ્યો છે. તેથી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગો. અમે કહ્યું છે કે રાજ્યમાં આ કાયદો લાગુ જ નહીં થાય તો હિંસા કેમ થઈ રહી છે? દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે. ધર્મના નામે કોઈ પણ ખોટું કામ ન કરશો.’ મમતા બેનરજીનો આરોપ છે કે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ હિંસા ભડકાવી રહી છે.