National Youth Day 2025: આજે 19મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. જેના સન્માનમાં ભારતમાં દર વર્ષે 12મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવી દિલ્હીમાં આવેલા ભારત મંડપમમાં યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદની થીમ પર યુવા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ભારતના 1500 જેટલા યુવાનો કાર્યક્રમમાં સહભાગી બનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કર્યા હતા. મહત્ત્વનું છે કે, ગુજરાતના 45 યુવાનોએ વડાપ્રધાન મોદી સમક્ષ વિકસિત ભારત અંગે વિચારો રજૂ કર્યા હતા.
‘ભારતની યુવા શક્તિ ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગીઓ સાથે મુલાકાત કરી. સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારતની યુવા શક્તિ ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એક પ્રેરક મંચ તરીકે કાર્ય કરે છે, જે એક વિકસિત ભારતને આકાર આપવા માટે આપણા યુવાનોની ઉર્જા અને નવીન ભાવનાને એકજુટ કરે છે.’
‘સ્વામી વિવેકાનંદને દેશના નવયુવાનો પર ખુબ ભરોસો હતો’
વડાપ્રધાને યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, ‘સ્વામી વિવેકાનંદને દેશના નવયુવાનો પર ખુબ ભરોસો હતો. તેઓ કહેતા હતા કે મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, નવી પેઢીમાં છે. સ્વામીજી કહેતા હતા કે, મારા કાર્યકર્તા નવયુવાન પેઢીથી આવશે અને તેઓ દરેક સમસ્યાનું સમાધાન લાવશે. જેમ વિવેકાનંદજીનો તમારા પર ભરોસો હતો, મારો વિવેકાનંદજી પર ભરોસો છે, મને તેમની કહેલી તમામ વાત પર ભરોસો છે. ભારતની યુવા શક્તિની ઉર્જાથી આજે આ ભારત મંડપમ પણ ઉર્જાથી ભરાઈ ચૂક્યું છે, ઉર્જાવાન થઈ ગયું છે. આજે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદજીને યાદ કરી રહ્યો છે, તેમને પ્રણામ કરી રહ્યો છે.’
‘યુવાનોથી મારો ખાસ મિત્રતા વાળો સંબંધ’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મારો દેશના યુવાનો સાથે ખાસ મિત્રતા વાળો સંબંધ છે. દોસ્તીની સૌથી મજબૂત કડી હોય છે વિશ્વાસ. મને તમારા પર ખુબ વિશ્વાસ છે અને આ વિશ્વાસે મને માયભારતની રચનાની પ્રેરણા આપી. આ વિશ્વાસે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોકનો આધાર બનાવ્યો. મારો વિશ્વાસ કહે છે કે, યુવા શક્તિનું સામર્થ્ય ભારતને જલ્દીથી જલ્દી વિકસિત રાષ્ટ્ર બનાવશે.’