Naxalite Encounter In Jharkhand: ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાં વિવેક દસ્તેનો પણ સમાવેશ થાય છે, તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ છે. ઘટનાસ્થળેથી એક INSAS રાઇફલ, એક સેલ્ફ-લોડિંગ રાઇફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
સીઆરપીએફનું નક્સલીઓ સાથે અથડામણ
અહેવાલો અનુસાર, લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ઘણાં અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે (21મી એપ્રિલ)આજે સવારે ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં આઠ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૈનિકોએ એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી.
વર્ષ 2024માં પોલીસે 244 નક્સલીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં ઝારખંડમાં પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં 11 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષા દળોએ આ વર્ષ સુધીમાં ઝારખંડને સંપૂર્ણપણે નક્સલ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઝારખંડ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2024માં પોલીસે 244 નક્સલીઓની ધરપકડ કરી હતી, જ્યારે પોલીસ અને સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓ માર્યા ગયા હતા. 24 નક્સલીઓએ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ચાર ઝોનલ કમાન્ડર, એક સબ જનરલ કમાન્ડર અને ત્રણ એરિયા કમાન્ડરનો સમાવેશ થાય છે.