નવી દિલ્હી : ભારતીય રેલવેએ ટ્રેક અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. જેમાં આજકાલ સોશિયલ મીડિયા પર રીલ(Reel)બનાવવાના વધી રહેલા ક્રેઝમાં લોકો રેલવે ટ્રેક અને ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. જેના લીધે લોકો ટ્રેક પર પથ્થર કે સામાન મૂકી દે છે અથવા તો ચાલુ ટ્રેનમાં રીલ બનાવે છે અને ઘાયલ થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે ચાલુ ટ્રેન અને રેલવે ટ્રેક પર રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ જો કોઇ વ્યક્તિ ટ્રેન અથવા તો રેલવે ટ્રેક પર રીલ બનાવશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રેનમાં રીલ બનાવવા મુદ્દે સરકારનું કડક વલણ
આ અંગે રેલવે બોર્ડે તમામ ઝોનમાં આ અંગે આદેશો આપી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સુરક્ષા માટે ખતરો પેદા કરતા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. એટલે કે જો કોઇ વ્યક્તિ ટ્રેન અથવા રેલવે ટ્રેક પર રીલ બનાવશે તો તેની વિરુદ્ધ રેલવે વિભાગ કેસ દાખલ કરશે. રેલ્વે ટ્રેક અને ટ્રેનમાં રીલ બનાવવા મુદ્દે સરકાર કડક વલણ અપનાવી રહી છે.
ચાલતી ટ્રેનમાં ખતરનાક સ્ટંટનો વિડીયો વાયરલ
હાલમાં જ એક યુવાનનો ચાલતી ટ્રેન સાથે સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્રેનની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે ટ્રેન પ્લેટફોર્મ પરથી જાય છે ત્યારે આ દરમિયાન એક વ્યક્તિ ટ્રેનની સાથે દોડે છે અને થોડીવાર પછી હેન્ડલ પકડીને પગ પ્લેટફોર્મ મૂકીને ટ્રેન સાથે આગળ સરકે છે. આખરે ટ્રેનમાં ચઢી જાય છે. આ રીતે તે ચાલતી ટ્રેન સાથે ખતરનાક સ્ટંટ કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ક્યારે અને ક્યાં લેવામાં આવ્યો તેની માહિતી મળી શકી નથી.