આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે
આજે ધનતેરસ એટલે ધનની દેવી મહાલક્ષ્મી માતાની આરાધનાનો દિવસ. ગુજરાતના પાટણ શહેરમાં મહાલક્ષ્મીના મંદિરનુ ધનતેરસના પર્વએ ખાસ મહત્વ હોય છે. 877 વર્ષે પૂર્વે બંધાયેલ પાટણના મહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિર માતાનું ઘર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં માતાજીની પૌરાણિક મૂર્તિના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. માતાજીના ધનતેરસે દર્શન કરવાનો પણ એક લ્હાવો હોય મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉમટે છે.
રાજસ્થાનથી પાંટણ સ્થાયી થયેલા પરિવારે મંદિરની સ્થાપના કરી હતી
મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો પાટણમાં ગાયકવાડ સરકાર સમયમાં ઇ.સ 1203 ની સાલ એટલે 877 વર્ષ પૂર્વે રાજસ્થાન ભીલમાલથી આવેલા લાધૂજી પાંડે પરિવારે આ મંદિરની સ્થાપના કરી હતી.
આ મંદિર પર ક્યારેય ધજા ચઢી નથી
આ મંદિર મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક ઘર મંદિર છે. જેના પર આજદિન સુધી ક્યારે ધજા ચડી નથી. સમગ્ર દેશભરમાં માત્ર એક જ મહા લક્ષ્મીનું મંદિર છે જ્યાં વર્ષોથી ધ્વજારોહણ થતું નથી. જેથી જ આ મંદિરને ઘર મંદિર પણ કહેવામાં આવે છે.
21 પેઢીથી માતાજીની પૂજાની પરંપરા જળવાઈ રહી છે
સાથે આ મંદિરમાં 21 પેઢીથી માતાજીની પૂજાની પરંપરા જળવાઈ રહી છે. રાજસ્થાન ભીલમાલ થી પાટણ વસેલા લાધુજી પાંડેનો પરિવાર 21 પેઢીથી મહાલક્ષ્મી માતાની સવારે 4 વાગે પહેલા પરોઢિયે શણગાર અને પુજા વિધિ કરવાની પરંપરા અકબંધ રાખી રહ્યો છે.
જે પરિવાર પૂજા માટે આવે તેમને પોતાનુ ઘર છોડી મંદિરની ઓરડીમાં જ રહેવું પડે છે
હાલમાં હયાત તેમની પેઢીમાં ભાઈઓના દીકરા દીકરીના ઍકમાંથી અનેક પરીવાર થયા છે. દર વર્ષે પૂજા વિધિનો દરેક પરિવારને લાભ મળે માટે વર્ષની અષાઢી બીજે પૂજા કરનારો પરિવાર બદલાઈ જાય છે. જે પરિવાર પૂજા માટે આવે તેમને પોતાનુ ઘર છોડી મંદિરની ઓરડીમાં જ રહેવું પડે છે. તેવું હાલના પૂજારી પરેશ નરેન્દ્રભાઇ પાંડે જણાવ્યું હતું.
ધનતેરસના દિવસે 21 લીટર દૂધથી માતાજીનો અભિષેક
આજે ધનતેરસના દિવસે 21 લીટર દૂધથી માતાજીનો અભિષેક થાય કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં લક્ષ્મી માતાજીના અનેક મંદિર છે. પરંતુ મહાલક્ષ્મી માતાજીનું પૌરાણીક એક જ મંદિર છે. જેથી ધનતેરસે મંદિરનો મહિમા વધી જાય છે. આ દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાય છે. જેમાં વહેલા પરોઢિયે 5 બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 21 લિટર ગાયના દૂધનો અભિષેક, માતાજીને કમળની આંગી અને વિશેષ શણગાર કરી ભક્તોના દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાય છે.
આધુનિક યુગમાં માતાજીના પ્રસાદ અને પહેરવેશની પ્રથા બદલાઇ
મહાલક્ષ્મી માતાજીને ગાયકવાડ સરકાર સમયથી વર્ષો સુધી ભક્તો પ્રસાદ રૂપે અનાજ ચડાવતા હતા. જે કાચું અનાજ ભક્તો ચડાવે તેમાંથી જ માતાજીની પ્રસાદી બનાવી તેમને ધરાવવામાં આવતી હતી. હવે સમય બદલાતાં લોકો પૈસા અને વિવિધ મીઠાઈ ધરાવે છે. તો પહેલા માતાજીને સાદી સાડીના વસ્ત્રોથી શણગાર થતો હતો. હવે મશરૂમ, ઝરીના તેમજ અવનવી ડિઝાઇન વાળાં વસ્ત્રોથી શણગાર કરાય છે.