નવી દિલ્હી, ૮ જાન્યુઆરી: LIC ની બીમા સખી યોજનામાં એક મહિનામાં ૫૦,૦૦૦ થી વધુ નોંધણીઓ થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ દ્વારા વિકસિત ભારત તરફની પહેલ તરીકે આ યોજના શરૂ કરી હતી.
LIC એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજના શરૂ થયાના એક મહિના પછી, બીમા સખી માટે કુલ નોંધણીનો આંકડો 52,511 પર પહોંચી ગયો છે. આમાંથી, 27,695 બીમા સખીઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને 14,583 બીમા સખીઓએ પોલિસી વેચવાનું શરૂ કરી દીધું છે.
LICના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય એક વર્ષની અંદર દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક બીમા સખીની ભરતી કરવાનો છે.”
તેમણે કહ્યું કે LIC મહિલાઓને યોગ્ય કૌશલ્ય સાથે તૈયાર કરીને અને ડિજિટલ સાધનો દ્વારા સશક્ત બનાવીને બીમા સખી પ્રવાહને મજબૂત બનાવી રહી છે. આ યોજનામાં પોલિસીના વેચાણ પર મળતા કમિશન ઉપરાંત ત્રણ વર્ષ માટે માસિક માનદ વેતનનો લાભ શામેલ છે.
આ યોજના મુજબ, દરેક બીમા સખીને પ્રથમ વર્ષે રૂ. ૭,૦૦૦, બીજા વર્ષે રૂ. ૬,૦૦૦ અને ત્રીજા વર્ષે રૂ. ૫,૦૦૦નું માસિક માનદ વેતન આપવામાં આવશે.
આ માનદ વેતન મૂળભૂત સહાય ભથ્થા તરીકે કાર્ય કરે છે. વધુમાં, મહિલા એજન્ટો તેમની વીમા પૉલિસીના આધારે કમિશન મેળવી શકે છે.
LIC આગામી ત્રણ વર્ષમાં બે લાખ બીમા સખીઓની નિમણૂક કરવાનું લક્ષ્ય રાખે છે. ૧૮ થી ૭૦ વર્ષની વયની મહિલાઓ જેમણે ધોરણ ૧૦ નું શિક્ષણ પૂર્ણ કર્યું છે તેઓ અરજી કરવા પાત્ર છે.