Pahalgam Terror Attack: બોર્ડર સીલ થતાં પાકિસ્તાનને ઝટકો: ત્રણ હજાર કરોડના વેપાર પર સંકટ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી છે, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને 48 કલાકની અંદર ભારત છોડી દેવાના આદેશ આપી દીધા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત હવે પાકિસ્તાનમાં માલની નિકાસ બંધ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2024માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 1.21 બિલિયન ડોલરના પાંચ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.

આ વસ્તુઓ ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવે છે

- Advertisement -

ભારતથી પાકિસ્તાનમાં ઘણી પ્રકારની ખાદ્ય ચીજોની નિકાસ કરવામાં આવે છે, જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે જેમ કે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી.જેમાં બટાકા, ડુંગળી, લસણ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કઠોળ, ચણા, બાસમતી ચોખા પણ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પાકિસ્તાન ભારતમાંથી કેરી, કેળા જેવા ઘણાં મોસમી ફળોની પણ આયાત કરે છે.

ભારતીય ચા દુનિયાભરમાં પ્રખ્યાત છે. આસામ અને દાર્જિલિંગમાંથી સુગંધિત ચાના પાન પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનને મરચાં, હળદર, જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા પણ મોકલે છે. આ સાથે ભારતથી પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય ચીજોમાં કાર્બનિક રસાયણો, દવાઓ, ખાંડ અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.

- Advertisement -

પાકિસ્તાનથી ભારતમાં શું આવે છે?

પાકિસ્તાનથી ભારતમાં આવતી વસ્તુઓમાં સિમેન્ટ, સિંધવ મીઠું, મુલતાની માટી, કપાસ, ચામડું, કેટલાક તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેશાવરી ચપ્પલ અને લાહોરી કુર્તા પણ પાકિસ્તાનથી ભારતમાં આયાત કરવામાં આવે છે.

- Advertisement -

અટારી પાકિસ્તાન તરફથી એકમાત્ર જમીન વેપાર માર્ગ છે

અમૃતસરથી માત્ર 28 કિલોમીટર દૂર સ્થિત અટારી ભારતનું પ્રથમ જમીન બંદર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર ફક્ત અટારી-વાઘા સરહદ દ્વારા જ થાય છે, તેથી 120 એકરમાં ફેલાયેલો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 સાથે સીધો જોડાયેલો આ ચેક પોઇન્ટ વેપારમાં ખાસ કરીને અફઘાનિસ્તાનથી થતી આયાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અટારી-વાઘા કોરિડોર પર વેપાર ઘણાં ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે. જ્યારે વર્ષ 2017-18 અને વર્ષ 2018-19માં વેપાર 4100-4300 કરોડ રૂપિયાની વચ્ચે હતો, તે વર્ષ 2019-20માં ઘટીને 2772 કરોડ રૂપિયા અને વર્ષ 2020-21માં 2639 કરોડ રૂપિયા થયો.

વર્ષ 2022-23માં વેપારમાં વધુ ઘટાડો થયો અને તે માત્ર 2257.55 કરોડ રૂપિયાનો રહ્યો. જોકે 2023-24માં એક મોટો ઉછાળો સાથે બન્ને દેશો વચ્ચેનો વેપાર વધીને 3886 કરોડ રૂપિયા થયો. 2023-24માં આ માર્ગ પરથી 6,871 ટ્રકો પસાર થયા અને મુસાફરોની અવરજવર 71,563 નોંધાઈ.

Share This Article