Pahalgam Terrorist Attack: કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ સાડા ત્રણ વર્ષના બાળકના પિતા બિતન અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૂળ કોલકાતાના પાટુલી વૈષ્ણવઘાટાના રહેવાસી અધિકારી થોડા વર્ષો પહેલા પોતાના પરિવાર સાથે અમેરિકાના ફ્લોરિડા સ્થાયી થયા હતા. તેઓ પોતાના પરિવાર સાથે કાશ્મીરમાં રજાઓ ગાળી રહ્યા હતા. મૃતક બિતન અધિકારીની પત્ની શોહિનીએ કહ્યું કે, ‘તેણે અમને અલગ કરી દીધા. મને સમજાતું નથી કે મારા દીકરાને કેવી રીતે કહેવું કે એના પિતા આ દુનિયાને કાયમ માટે છોડી ગયા છે.’
‘અમને ન્યાય જોઈએ…’
મૃતક બિતન અધિકારીની પત્ની શોહિનીએ કહ્યું કે, ‘વિદેશમાં રહેતા હોવા છતાં, બિતન તેના વૃદ્ધ અને બીમાર માતા-પિતાની સારવાર માટે પૈસા મોકલતો હતો. હું ન્યાય ઇચ્છું છું, ફક્ત મારા પતિ માટે જ નહીં, પરંતુ તે દિવસે પોતાનો જીવ ગુમાવનાર દરેક નિર્દોષ વ્યક્તિ માટે.’
પહેલગામમાં ઘોડેસવારી મોંઘી હોવાથી કેરળના પ્રવાસીઓ બચી ગયા
પહલગામમાં ઘોડેસવારી મોંઘી હોવાથી કેરળના 23 પ્રવાસીઓનું એક જૂથ આતંકી હુમલામાં માંડ માંડ બચી ગયું. વાસ્તવમાં આ પ્રવાસીઓને ઘોડેસવારીનું ભાડું મોંઘું લાગ્યું તેથી તેમણે ઘોડેસવારી કરવાને બદલે પર્યટન માટે નજીકના કોઈ અન્ય સ્થળે જવાનું નક્કી કર્યું હતું.
પર્યટન સ્થળ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી
એક બાળક સહિત જૂથના સભ્યોએ નવી દિલ્હીમાં કેરળ હાઉસને જણાવ્યું હતું કે, ‘જો તેઓ ઘોડેસવારી કરવા ગયા હોત, તો તેઓ પણ આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા હોત, જેમાં 26 લોકોના મોત થયા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોઈપણ પર્યટન સ્થળ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી.’