સુલતાનપુર (યુપી), 2 જાન્યુઆરી: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ગુરુવારે અહીં સ્થિત MP/ MLAની વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ કેસ 2018માં કર્ણાટક ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીને લગતો છે.
ભાજપના એક નેતાએ આ અંગે કેસ દાખલ કર્યો હતો. ગાંધીને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને ત્યાર બાદ જુલાઈ મહિનામાં તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું.
ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ જણાવ્યું હતું કે વાદી વિજય મિશ્રાની આજે ઉલટતપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઊલટતપાસ પૂર્ણ ન થઈ હોવાથી કોર્ટ હવે આ મામલાની આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ કરશે.
મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ સંતોષ કુમાર પાંડેએ એમ પણ કહ્યું હતું કે ગાંધીના વકીલ શુક્લાએ તેમના અસીલની ઊલટતપાસ કરી હતી અને આ કેસની આગામી સુનાવણી માટે 10 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
કોતવાલી દેહતના હનુમાનગંજના રહેવાસી અને બીજેપી નેતા વિજય મિશ્રાએ વર્ષ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટક ચૂંટણી દરમિયાન ગાંધીએ શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનાથી તેમને દુઃખ થયું હતું.
કોર્ટમાં પાંચ વર્ષની લાંબી પ્રક્રિયા બાદ 2023માં કેસની સુનાવણી કરતા તત્કાલિન જજે વોરંટ જારી કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. આ પછી ગાંધી ફેબ્રુઆરી 2024માં કોર્ટમાં હાજર થયા હતા. સ્પેશિયલ મેજિસ્ટ્રેટે તેમને જામીન આપ્યા હતા.