નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નમો ભારત ટ્રેનના સાહિબાબાદ-ન્યૂ અશોક નગરના 13 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ 13 કિલોમીટરના સેક્શનના ઉમેરા સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની જશે.
ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીને નમો ભારત ટ્રેનનું મોડલ પણ બતાવવામાં આવ્યું હતું. RRTS ના દિલ્હી વિભાગના ઉદ્ઘાટન સાથે જ દિલ્હીને તેનો પહેલો નમો ભારત કોરિડોર મળ્યો છે. રવિવારે સાંજે 5 વાગ્યાથી આ સેક્શન પર મુસાફરો માટે કામગીરી શરૂ કરવામાં આવશે. મુસાફરો ન્યૂ અશોક નગર (દિલ્હી) અને મેરઠ દક્ષિણ (યુપી) વચ્ચેનું 55 કિમીનું અંતર માત્ર 40 મિનિટમાં પૂર્ણ કરી શકશે.
ખાસ વાત તો એ હતી કે વડાપ્રધાને સાહિબાબાદ સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને બાળકો અને લોકો સાથે મુલાકાત કરી હતી અને વાતચીત પણ કરી હતી. દરમિયાન બાળકોએ તેમને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. એક છોકરીએ પીએમ મોદીને હિન્દીમાં કવિતા સંભળાવી. દેશના વડાપ્રધાનને મળવાનો અને જોવાનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
RRTS ના દિલ્હી વિભાગના ઉદ્ઘાટન સાથે, દિલ્હીને તેની પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી મળી. ન્યૂ અશોક નગર અને મેરઠ દક્ષિણ વચ્ચે 11 સ્ટેશન છે અને તે 55 કિમી લાંબો RRTS કોરિડોર છે. મળતી માહિતી મુજબ અહીં દર 15 મિનિટે લોકોને ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નમો ભારત ટ્રેનની કેટલીક ખાસ વિશિષ્ટતાઓ છે. આમાં મહિલાઓ માટે અલગ આરક્ષિત કોચ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વૃદ્ધો, મહિલાઓ અને અપંગ લોકો માટે તમામ કોચમાં અનામત બેઠકો પણ રાખવામાં આવી છે. ટ્રેનની અંદર જ વ્હીલચેર અને સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા પર અને કોચની અંદર ઈમરજન્સી પેનિક બટન આપવામાં આવ્યું છે.
મુસાફરોએ ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણ સ્ટેશન સુધી સ્ટાન્ડર્ડ કોચ માટે 150 રૂપિયા અને પ્રીમિયમ કોચ માટે 225 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. સત્તાવાર માહિતી અનુસાર, દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના આ ભાગના નિર્માણનો ખર્ચ લગભગ 4,600 કરોડ રૂપિયા છે.
દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી દરમિયાન લાખો મુસાફરોને સારી ઝડપ, સરળ અને આરામદાયક મુસાફરીની સાથે સારી સલામતી અને વિશ્વસનીયતાનો લાભ મળશે. ગયા વર્ષે 20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ સાહિબાબાદ અને દુહાઈ ડેપો વચ્ચે 17 કિલોમીટરના પ્રાથમિક વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ અંદાજે રૂ. 1200 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટરના સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દિલ્હી મેટ્રોના તબક્કા-IVનો પ્રથમ વિભાગ છે, જેનું ઉદ્ઘાટન દિલ્હી મેટ્રો નેટવર્કને વધુ વિસ્તાર કરશે.
આ ઉપરાંત પીએમ મોદીએ દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI)ની નવી ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ ઇમારત આરોગ્યના ક્ષેત્રમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ ઇમારતમાં OPD, IPD અને ટ્રીટમેન્ટ બ્લોક જેવી સુવિધાઓ પણ રાખવામાં આવશે.