PM Modi Slams On Congress: હરિયાણામાં PM મોદીનો પ્રહાર, એટલો પ્રેમ છે તો મુસ્લિમને કોંગ્રેસ અધ્યક્ષ કેમ નથી બનાવતી?

Arati Parmar
By Arati Parmar 4 Min Read

PM Modi Slams On Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર બંધારણને નજરઅંદાજ કરવાનો આરોપ મૂકવાની સાથે વક્ફ એક્ટના વિરોધની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસને મુસ્લિમો સાથે એટલો જ પ્રેમ છે, તો તે તેમને પક્ષના અધ્યક્ષ કેમ નથી બનાવતી. ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસલમાનોને કેમ નથી આપતી?

કોંગ્રેસ સત્તા માટે બંધારણનો ઉપયોગ કરી રહી હોવાનો આરોપ મૂકતાં વડાપ્રધાને આગળ કહ્યું કે, ‘કોંગ્રેસ હંમેશા સત્તા પર કબજો મેળવવા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ કોંગ્રેસે કટ્ટરપંથી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા વક્ફ એક્ટ 2013માં સુધારો કર્યો હતો. ચૂંટણી જીતવા માટે તેણે કાયદો ઘડી બંધારણને નબળુ પાડ્યું.  જો કોંગ્રેસને મુસ્લિમો સાથે આટલો જ પ્રેમ હોય તો કોઈ મુસ્લિમને કેમ પક્ષના અધ્યક્ષ નથી બનાવતી, કેમ ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસ્લિમોને ફાળવતી નથી. કોંગ્રેસે ઈમરજન્સી લાદી બંધારણની ખીલ્લી ઉડાવી હતી. સત્તા જાળવી રાખવા માટે બંધારણની ભાવનાને ઠેસ પહોંચાડી.’

- Advertisement -

બંધારણ ન્યાય અને સમાનતાથી કામ કરે છે

PMએ કહ્યું કે, ‘બંધારણનો ઉદ્દેશ તમામ માટે ન્યાય અને સમાનતા લાગુ કરવાનો છે. એક જેવી ન્યાય સંહિતા બને, જેને હું સેક્યુલર સિવિલ કોડ કહીશ. પરંતુ કોંગ્રેસે તેને લાગુ થવા દીધુ નહીં. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનતાં સેક્યુલર સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યું. પરંતુ દેશનું દુર્ભાગ્ય જુઓ, બંધારણને ખિસ્સામાં રાખીને ફરનારા લોકો તેનો વિરોધ કરવા લાગ્યા. કોંગ્રેસની સરકારે કર્ણાટકમાં ટેન્ડરમાં ધર્મ આધારિત અનામત લાગુ કરી. જેની બંધારણમાં જોગવાઈ જ નથી.’ 

કોંગ્રેસ પર બંધારણ મુદ્દે સીધો પ્રહાર

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું, ‘આપણે એ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસે બાબા સાહેબ સાથે શું કર્યું. જ્યાં સુધી બાબા સાહેબ જીવતા હતા, ત્યાં સુધી કોંગ્રેસે તેમનું અપમાન કર્યું. તેઓ બે વાર ચૂંટણીમાં હારી ગયા. કોંગ્રેસે તેમની યાદશક્તિ ભૂંસી નાખવાનો પણ પ્રયાસ કર્યો. કોંગ્રેસ પણ બાબા સાહેબના વિચારોને કાયમ માટે નષ્ટ કરવા માંગતી હતી. ડૉ. આંબેડકર બંધારણના રક્ષક હતા, પરંતુ કોંગ્રેસ બંધારણનો નાશ કરનારી બની.  દેશમાં SC, ST અને OBC ને બીજા વર્ગના નાગરિક માનતી હતી. જ્યારે કોંગ્રેસના નેતાઓ સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓનો આનંદ માણતા હતા, ત્યારે ગામડાઓમાં દર 100 ઘરોમાંથી ફક્ત 16 ઘરોમાં જ પાઇપલાઇન દ્વારા પાણીની સુવિધા હતી અને સૌથી વધુ અસરગ્રસ્ત SC, ST અને OBC હતા. આજે જે લોકો દરેક શેરીમાં ભાષણો આપી રહ્યા છે તેઓએ ઓછામાં ઓછું આપણા SC, ST અને OBC ભાઈઓના ઘરોમાં પાણી પહોંચાડવું જોઈતું હતું.’

વક્ફના નવા કાયદાથી સૌ ખુશ

કોંગ્રેસને કોઈની પરવા નથી. તે પોતાના સ્વાર્થ માટે જ નિર્ણય લે છે. જેનાથી ગરીબ મુસલમાન હેરાન થાય છે. વક્ફ એક્ટ પણ એવો જ હતો. જેનાથી કટ્ટરપંથી અને ધનિકોને જ વક્ફ બોર્ડમાં કબજો મળતો હતો. પરંતુ હવે નવા સુધારેલા કાયદાથી સૌ ખુશ છે. હવે નવા વકફ કાયદા હેઠળ, આ વકફ બોર્ડ ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ આદિવાસીની જમીન કે મિલકતને અડી શકશે નહીં. નવી જોગવાઈઓ વકફની પવિત્ર ભાવનાનું સન્માન કરશે. મુસ્લિમ સમાજના ગરીબ અને પાસમંદા પરિવારો, મહિલાઓ, ખાસ કરીને મુસ્લિમ વિધવાઓ, બાળકોને તેમના અધિકારો મળશે અને તેમના અધિકારોનું પણ રક્ષણ થશે. આ વાસ્તવિક સામાજિક ન્યાય છે.

Share This Article