PM Modi Speech In Loksabha: મહાકુંભે વિશ્વને ભારતની દિવ્યતા અને સંસ્કૃતિનો પરિચય આપ્યો, આધ્યાત્મિકતા પ્રસરાઈ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

PM Modi Speech In Loksabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોવાનો દાવો પણ પીએમ મોદીએ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વએ મહાકુંભમાં ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં. આ પ્રજા, અને પ્રજાના સંકલ્પો તથા પ્રજાની શ્રદ્ધાથી પ્રેરિત મહાકુંભ હતો. જેમાં આપણી રાષ્ટ્રીય ચેતનાના વિરાટ દર્શન થયા છે. જે નવા સંકલ્પોના સિદ્ધિ માટે પ્રેરિત હતી.

- Advertisement -

ભારતમાં મહાકુંભનો અનેરો ઉત્સાહ રહ્યો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં લગભગ દોઢ મહિના સુધી અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઉમંગનો અનુભવ થયો. કરોડો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવથી જોડાયા હતાં. જે અમારી સૌથી મોટી તાકાત છે.

યુવા પેઢી જોડાઈ, દેશ હજારો વર્ષ માટે સજ્જ

આગળ પીએમ મોદીએ કહ્યું કે, દેશની સામૂહિક જાગૃત્તિ-ચેતનાનું પરિણામ મહાકુંભમાં જોવા મળ્યું છે. યુવા પેઢી સંપૂર્ણ ભાવ સાથે મહાકુંભમાં જોડાઈ. મહાકુંભ પર સવાલો ઉઠાવનારાઓને જવાબ મળ્યા, તેમજ દેશભરમાં આધ્યાત્મિક ચેતના ઉભરી છે. ગતવર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આ વર્ષે મહાકુંભનું સફળ આયોજન દેશને આગામી હજાર વર્ષ માટે સજ્જ હોવાનો સંકેત આપે છે.

નદી ઉત્સવને વેગ

PM મોદીએ મહાકુંભના સફળ આયોજનના કારણે નદીઓના સંરક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોને રજૂ કરતાં નદી ઉત્સવને વેગ મળ્યો હોવાનું જણાવ્યું છે. ગતવર્ષે નદી ઉત્સવ નવી દિલ્હી ખાતે 19થી 21 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયો હતો. આ ઉત્સવની શરૂઆત 2018માં થઈ હતી.

PM ના સંબોધન બાદ લોકસભામાં હોબાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્ય બાદ લોકસભામાં વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો. જો કે, આ હોબાળા વચ્ચે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી હતી. PM મોદીના સંબોધન પહેલાં રાજ્યસભામાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગાનો મુદ્દો ઉઠાવતાં લઘુત્તમ વેતન વધારવાની માગ કરી હતી.

Share This Article