ભુજ, તા. 14 : ગુજરાત સરકાર દ્વારા તા. 7-10થી 15-10 સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને 23 વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં `િવકાસ સપ્તાહ’ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનના વિકાસના વિઝનનો સૌથી વધુ લાભ કચ્છ જિલ્લાને મળ્યો છે. આજે કચ્છ જિલ્લો પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે. ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનએ અનેક વખત જાહેરમંચ અને મીડિયા-સોશિયલ મીડિયાનાં માધ્યમથી કચ્છના સફેદ રણ અને સ્મૃતિવન નિહાળવા સૌ દેશવાસીઓને અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધોરડો માત્ર પ્રવાસન જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું કેન્દ્ર બન્યું છે. ધોરડોમાં રણોત્સવ લાલબહાદુર શાત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડેમીના અધિકારીઓની તાલીમ, જી-20ની પ્રવાસન બેઠક, ચિંતન શિબિર, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ઓલ ઇન્ડિયા મિનિસ્ટર્સ કોન્ફરન્સ, ઓલ ઇન્ડિયા ડી.જી./આઇ.જી. સમિટ, મહાનુભાવોની મુલાકાત સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ધોરડો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ધોરડોના રણોત્સવમાં વર્ષ 2022-23માં અંદાજે 2.42 લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી આપવામાં ધોરડો મહત્ત્વનું પ્રવાસન કેન્દ્ર સાબિત થયું છે. રાજ્ય સરકાર દ્વારા રણોત્સવનું આયોજન થાય છે અને ચાર મહિના ચાલે છે. વિશાળ ટેન્ટ સિટી, સફેદ રણ સફારી, સ્ટાર ગેઝિંગ, ભૂંગા, હેન્ડીક્રાફટ સહિતના પ્રકલ્પો ઊભા કરાય છે. રાજ્ય સરકારે ધોરડો ગ્રામ પંચાયતના નેજા હેઠળ પ્રવાસન સમિતિ બનાવીને `ગેટ વે ટુ રણ રિસોર્ટ’ બનાવ્યું છે. અહીંના સ્થાનિક યુવાનોને હોટેલ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી રહી છે. કચ્છની ઓળખ એવા ભૂંગાઓ, આધુનિક કોન્ફરન્સ હોલ વગેરેના નિર્માણમાં રાજ્ય સરકારે ગ્રામ પંચાયતને આર્થિક મદદ પણ કરી છે. આમ કચ્છમાં પ્રવાસન વધે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને આ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે ગુજરાત સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.