Rahul Gandhi: અલ્લાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીને મોટો ઝટકો આપ્યો છે. વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી મામલે અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોઈ પણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.
કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી
કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી પાસે તેમના સમન્સ સામે સેશન્સ કોર્ટ સમક્ષ સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે, તેથી હાલમાં આ કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી.’
નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો
આ આદેશ જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની સિંગલ પીઠે આપ્યો હતો. આ અરજીમાં સાવરકર વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવાના નીચલી અદાલતના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ આ કેસમાં નીચલી કોર્ટમાં પોતાની સામે ચાલી રહેલી કાર્યવાહીને પણ પડકારી હતી.
તેમના વકીલ પ્રાંશુ અગ્રવાલે દલીલ કરી હતી કે, ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોથી કલમ 153A અને 505 IPCનો કેસ નથી બનતો, તેમ છતાં નીચલી કોર્ટે અરજદારને આ કલમો હેઠળ સમન્સ પાઠવ્યા છે.
અરજદાર પાસે સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે: અલ્લાહાબાદ હાઇકોર્ટ
એવું પણ કહેવામાં આવ્યું કે, નીચલી કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 196ની જોગવાઈઓને અવગણીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે. જોકે, કોર્ટે કેસની યોગ્યતા પર કોઈ પણ ટિપ્પણી કર્યા વિના કહ્યું કે અરજદાર પાસે સમીક્ષા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે.