Rajya Sabha On Manipur: સંસદે શુક્રવારે (ચોથી એપ્રિલ) વહેલી સવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો બંધારણીય ઠરાવ પસાર કર્યો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બે મહિનાની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતો બંધારણીય ઠરાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હિંસાગ્રસ્ત મણિપુરમાં 13મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
‘મણિપુર હિંસામાં 260 લોકો માર્યા ગયા’
શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે ઉપલા ગૃહે ધ્વનિમત દ્વારા ઠરાવ પસાર કર્યો. લોકસભા તેને પહેલાથી જ પસાર કરી ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે, ‘મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ રાજ્યપાલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી અને બહુમતી સભ્યોએ કહ્યું કે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. ત્યારબાદ કેબિનેટે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી.’
તેમણે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, મેં બે મહિનાની અંદર આ સંદર્ભમાં ગૃહની મંજૂરી માટે એક બંધારણીય ઠરાવ લાવ્યો છું. સરકારની પહેલી ચિંતા મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની છે અને છેલ્લા ચાર મહિનામાં ત્યાં એક પણ મૃત્યુ થયું નથી અને ફક્ત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મણિપુરમાં વંશીય હિંસામાં 260 લોકો માર્યા ગયા હતા, પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં વધુ લોકો માર્યા ગયા હતા.’
પીએમ મોદીને મણિપુરની માટે સમય મળ્યો નથી: મલ્લિકાર્જુન ખડગે
બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘મણિપુરમાં આટલી હિંસા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હજુ સુધી તે રાજ્યની મુલાકાત લેવાની તક મળી નથી. જ્યારે શાસક પક્ષ પર ભારે દબાણ હતું, ત્યારે ત્યાંના મુખ્યમંત્રીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. મણિપુરમાં ભાજપની ‘ડબલ એન્જિન સરકાર’ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.