Russia Supports India UNSC Membership Again: ભારત અને રશિયા વચ્ચે રાજકીય મિત્રતાને 78 વર્ષ પૂર્ણ થયા છે. કોલ્ડવૉરથી માંડી પાકિસ્તાન યુદ્ધ સુધી રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી છે. હવે ફરી એકવાર રશિયા પોતાની મિત્રતા નિભાવતાં ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં સામેલ કરવાની માગ કરી રહ્યું છે. રશિયાએ UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવાની માગ ઉઠાવી છે. રશિયાના વિદેશ મંત્રાલયે બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને 78 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવતાં આ માગ કરી હતી.
રશિયાના વિદેશ મંત્રાલયે UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવા સમર્થન આપ્યું છે. તદુપરાંત સ્લોવાકિયાએ પણ ભારતને કાયમી સભ્ય બનાવવાની વાતને સમર્થન આપ્યું છે. 1945માં શરૂ થયેલા યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં હાલ કુલ 15 સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, બ્રિટન પાંચ સ્થાયી સભ્ય દેશ છે. જ્યારે 10 અસ્થાયી સભ્ય દેશ સામેલ છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી લે છે.
ભારત-રશિયાના સંબંધોને ગાઢ બનાવાશે
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારત સાથે રાજકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માગીએ છીએ. બંને દેશો વચ્ચે રાજકીય સંવાદ વધુ મજબૂત બને તેમજ બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાતનો સિલસિલો ચાલુ રાખવા પ્રયાસો થશે. બંને દેશો વચ્ચે વેપાર સંબંધ સતત વધી 60 અબજ ડોલરે પહોંચ્યા છે. પરમાણુ ઉર્જા પર પણ અમે સહયોગ આપી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે ડિફેન્સ, સ્પેસ, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થવુ જોઈએ. બંને દેશો વચ્ચે પરમાણુ ઉર્જા પર સહયોગ થઈ રહ્યો છે. તમિલનાડુના કુંડનકુલમમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે પુતિન ભારતની મુલાકાત લેશે. રશિયાએ પણ પોતાની વિક્ટ્રી ડે પરેડમાં PM મોદીને આમંત્રણ આપ્યું હતું. જેમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ. જયશંકર જવાના છે.
UNSCમાં ક્યાં અટવાયું ભારત
UNSCમાં કાયમી સભ્ય પદ માટે ભારત લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે. તે વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન છે. જેમાં સ્થાયી સભ્યો પાસે વીટો પાવર હોય છે. જ્યારે અસ્થાયી સભ્યો પાસે વીટોની તાકાત હોતી નથી. ભારતને સ્થાયી સભ્ય પદ આપવા માટે રશિયા, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના અનેક દેશોએ સમર્થન આપ્યું છે. પરંતુ ચીનની અડોડાઈના કારણે તેને સભ્ય પદ મળી રહ્યું નથી. ચીન ભારતને સ્થાયી સભ્ય બનાવવા માગતું નથી. કારણકે, તેનાથી એશિયામાં તેનો એકાધિકાર ખતમ થઈ જવાની ભીતિ છે. ચીન યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા માગે છે.