Sanjay Singh on Waqf Bill: વક્ફ બિલ પર દેશમાં રાજકીય નિવેદનબાજી ચાલુ છે. આ દરમિયાન AAP સાંસદ સંજય સિંહે રવિવારે (30મી માર્ચ) દાવો કર્યો હતો કે, જો ભાજપ વક્ફ બિલ લાવશે તો મોદી સરકાર પડી જશે. તેમણે કહ્યું કે, ‘ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી બધાએ મળીને અલ્ટીમેટમ આપ્યું છે.’
નાસ્તિક પણ દાન કરી શકે છે
લખનઉમાં પાર્ટીના કાર્યાલયમાં આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં મોદી સરકારે કહ્યું કે અમારી પાસે 99 ટકા મિલકતોના દસ્તાવેજો છે. બધી મિલકતો માન્ય છે. બિલમાં એવું લખેલું છે કે જો કોઈ વ્યક્તિ પાંચ વર્ષ સુધી મુસ્લિમ રહે છે, તો જ તે મસ્જિદ કે મદરેસામાં દાન કરી શકે છે. દુનિયાનો કોઈ એવો કાયદો જણાવો જેમાં દાન આપવા માટે ધાર્મિક રીતરિવાજોનું પાલન કરવું જરૂરી હોય. નાસ્તિક પણ દાન કરી શકે છે. જે કોઈ પણ ધર્મમાં માનતો નથી. શું તમે આવો કોઈ કાયદો બનાવ્યો છે?’
આપ સાંસદે ભાજપ પર લગાવ્યો આરોપ
ભાજપ પર આરોપ લગાવતા આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘તે જ પાર્ટી (BJP) છે જેણે અયોધ્યામાં વડાપ્રધાનના મિત્રને સંરક્ષણ જમીન આપી હતી. આ એ જ પાર્ટી છે જેણે રામ મંદિર માટે દાનમાં છેતરપિંડી કરી હતી અને પાંચ મિનિટમાં 18.5 કરોડ રૂપિયામાં 2 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. જે લોકો ભગવાન શ્રી રામના નામે જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી શકે છે, જો આજે વક્ફ બિલ પસાર થાય છે, તો કાલે મંદિરની જમીન પર કબજો કરવાનું બિલ પસાર થશે. ત્યારબાદ ગુરુદ્વારા અને ચર્ચની જમીન પર કબજો મેળવવા માટેનું બિલ પસાર કરવામાં આવશે. કારણ કે ધાર્મિક ભૂમિની આસપાસની મિલકત મોંઘી છે, મહત્વપૂર્ણ સ્થળોએ છે અને મોદીજીના મિત્રો તેના પર સારો વ્યવસાય કરી શકે છે.’