ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર મત માટે રૂપિયા વહેંચવાનો ગંભીર આરોપ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

મુંબઇ, તા. 19 : જેના પર રાજકીય પંડિતોની નજર છે તે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનના 24 કલાક અગાઉ જ ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર મત માટે રૂપિયા વહેંચવાનો ગંભીર આરોપ લાગતાં રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. તેમને મુંબઇની હોટેલમાં વિપક્ષ બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ ઘેરી લીધા બાદ ભારે હોબાળો સર્જાયો હતો. ચૂંટણીપંચે તાવડે પાસેથી રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યા બાદ કુલ્લ ચાર એફઆઇઆર નોંધાવી હતી. કોંગ્રેસ સહિત વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે ભાજપે વળતા જવાબમાં આરોપો નકારી તેને સસ્તી પ્રસિદ્ધિ માટેનું નાટક ગણાવ્યા હતા. પોલીસે પત્રકાર પરિષદ યોજવાથી લઇ રૂપિયા વહેંચવા અંગે ચાર એફઆઇઆર નોંધી હતી જેમાં પહેલી એફઆઇઆરમાં સૂત્રો મુજબ વિનોદ તાવડે અને રાજન નાઇક સામે બીએનએસની કલમ 223 અને 173 તથા આરપી એકટની કલમ 126 હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ પોલીસે અત્યાર સુધીમાં નવ લાખ 53 હજાર રોકડા કબજે કર્યા છે. બીજી એફઆઇઆરમાં ભાજપના મહામંત્રી વિનોદ તાવડે અને ભાજપ ઉમેદવાર રાજન નાઇક સામે આચારસંહિતા ભંગ અંગે બીએનએસની કલમ 223 અને આરપી એકટની કલમ 126 હેઠળ ગુનો નોંધાયો હતો. ત્રીજી એફઆઇઆર રાજન નાઇક, વિનોદ તાવડે, હિતેન્દ્ર ઠાકુર અને ક્ષિતિજ ઠાકુર સામે જ્યારે ચોથી એફઆઇઆર ક્ષિતિજ ઠાકુર, પ્રતિક ઠાકુર સહિત 5-6 અન્ય લોકો સામે નોંધવામાં આવી હતી. પોલીસ કમિશનર મધુકર પાંડેના જણાવ્યા અનુસાર વિનોદ તાવડે અને અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. ચૂંટણીપંચે રૂા. નવ લાખ રોકડ અને કેટલીક ડાયરી તથા દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે.

- Advertisement -

તાવડેએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેઓ નાલાસોપારામાં કાર્યકર્તાઓને મતદાન દિવસે શું કરવું એનું માર્ગદર્શન આપવા માટે ગયા હતા. વિપક્ષ તથા ચૂંટણીપંચને આ મામલે સંપૂર્ણ તપાસ કરવાનો પડકાર પણ ફેંક્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી આ પાંચ કરોડ ક્યા સેફમાંથી આવ્યા છે ? શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપનો અંત નજીક છે, જે કામ ચૂંટણીપંચે કરવું જોઈતું હતું એ હિતેન્દ્ર ઠાકુરે કર્યું છે. ચૂંટણી અધિકારીઓ અમારી બૅગ ચકાસે છે, પણ ભાજપના નેતાઓની ચકાસણી કરતી નથી. – ડાયરીમાં શું છે? : ક્ષિતિજ ઠાકુરે દાવો કર્યો હતો કે, હૉટેલમાં તાવડે પાસે રૂા. પાંચ કરોડ અને નામો ધરાવતી બે ડાયરીઓ મળી છે. મને તાવડે રૂપિયા વહેંચવા માટે આવી રહ્યા છે એ વિશેની સૂચના અગાઉથી મળી ગઈ હતી. તેથી મેં કાર્યકર્તાઓને બોલાવ્યા અને ખરી હકીકત જાણવા માટે પ્રયાસ કર્યો હતો. ડાયરીમાં રૂા. પાંચ કરોડ કઈ રીતે આપવામાં આવ્યા છે એની તમામ નોંધ લખેલી છે. આ ડાયરી વિનાદ તાવડેની બૅગની ચકાસણી કરતા મળી હતી .

Share This Article