પાટીદાર વિસ્તારથી કમુરતાંમાં સીધો ભાલો ફેંક્યો
વિકાસથી વંચિત રહી ગયેલા ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેંકવાના ઉદ્દેશ્ય સાથે ભાલો લઈને કમુરતાંમાં મેદાનમાં ઉતરી પડેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ આજે સુરતમાં ધામા નાંખ્યા હતા. તેમાંયે ખાસ કરીને પાટીદાર વિસ્તાર પર પસંદગીનો કળશ ઢોળીને બાપુએ ભાજપ સામે સીધો ભાલો ફેંકવાનું કામ કર્યું છે.
થોડા સમય પહેલા ગાંધીનગરમાં અમિત શાહ અને શંકરસિંહની બેઠક મળી ત્યારબાદ પક્ષીય ગતિવિધિ વધી છે. શંકરસિંહ વાઘેલા પાછળ અમિત શાહ હોવાનું અનુમાન છે.
અહીંથી જ કરોડોનું ચૂંટણી ફંડ દરેક રાજકીય પક્ષ ઉઘરાવતાં આવ્યા છે. સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પર લાલ ભાલો ફેંકયો હતો.
શંકરસિંહ વાઘેલા પીઠ પાછળ ભાલાનો પ્રહાર કરવા માટે જાણીતા છે.
લાંબા સમયથી કેસરિયા રંગે રંગાયેલા દક્ષિણ ગુજરાતનું કલ્ચર રંગબેરંગી અને મિશ્રીત છે તેમ છતાં ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી ફાવી નથી. સુરતની ચમકને વિશ્વ ફલક સુધી લઈ જવામાં પાટીદાર સમાજનો સૌથી મોટો ફાળો હોવાનું જણાવતા બાપુએ કહ્યું કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ખરું પણ ગુજરાતની આર્થિક રાજધાની તો સુરત જ છે એટલે સુરત રાજકારણનું એપી સેન્ટર કહેવાય.
સુરતમાં કેસરિયાને હલાવો તો ગાંધીનગર અને દિલ્હીનું સિંહાસન ડોલવા માંડે એટલે સુરતીઓએ નિડર બનીને દરેક મુસીબતનો સામનો કરવાનો છે. તેમણે સુત્ર આપતા કહ્યું કે ‘નિડર બનો, લિડર બનો’.
ભારતીય જનતા પાર્ટી સામે બાંયો ચઢાવનાર સામે ખોટી ફરિયાદો દાખલ કરીને જેલમાં પુરી દેવામાં આવે છે. આવી રીતે એક પ્રકારના ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે પરંતુ બાપુ અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (પીપીપી)ના કાર્યકર્તાઓ ડરવાના નથી. દરેક મુસીબતનો સામી છાતીએ મુકાબલો કરશે અને ગુજરાતને ભાજપના ચક્રવ્યૂહમાંથી આઝાદી અપાવશે.
પ્રજાના અવાજને બુલંદ કરવાના ઉદ્દેશ સાથે નવી પાર્ટી લોન્ચ કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાર્ટીમાં કોઈ પદ ગ્રહણ કર્યું નથી. તેઓ માર્ગદર્શકની ભૂમિકામાં રહેશે તેવી સ્પષ્ટતા કરતાં બાપુએ કહ્યું કે, ભાજપ-કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન, કેન્દ્રીય પ્રધાન, વિપક્ષના નેતા જેવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવ્યા પછી બાપુને કોઈ પદનો હરખ નથી. બાપુ પાસે ઈશ્વરનું આપ્યું બધું જ છે પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ આ ઉંમરે પણ સંઘર્ષ કરવા નિકળી પડ્યાં છે. આપના નેતૃત્વના પૂર્વ આઈએએસ, આઈપીએસ અધિકારીઓ, ઉદ્યોગપતિ, બિલ્ડરો તેમજ હીરાના કારખાનેદારોએ સ્વીકાર કર્યો છે અન ખભેખભા મિલાવીને ડર્યા વિના બાપુને સહયોગ આપવાનો સંકલ્પ લીધો છે.
ઉત્રાણસ્થિત શાલીગ્રામ સ્ટેટસમાં આયોજિત સંગઠનની બેઠકમાં ચિક્કાર હોલ ભરાઈ ગયો હતો જેમાં ખાસ કરીને યુવાઓની હાજરી આંખે ઉડીને વળગે એવી હતી. હજારથી વધુ કાર્યકર્તા અને આગેવાનોમાં 500 જેટલા યુવાઓ જોડાયા હોવાથી બાપુ અને પાર્ટીના આગેવાનોનો ઉત્સાહ બેવડાયો છે.
બસમાંથી ડ્રાઈવરને ઉતારી પાડો ને નવો શોધો
બાપુએ કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે અગાઉ એવી થતું કે ડ્રાઈવર દારૂ ઢિંચેલો હોય એવી ખબર પડે તો સ્વસુરક્ષામાં બધા પ્રવાસી ઉતરી પડતાં. કેમકે તેની સાથે પ્રવાસ ખેડવામાં આપણી સુરક્ષા જોખમાઈ શકે છે. પરંતુ આજના બાપુના યુગમાં આપણે બસમાં બેસી રહેવાનું છે અને ડ્રાઈવરને ધક્કો મારીને ઉતારી પાડવાનો છે. તેના બદલે આપણને સુરક્ષિત મંઝિલે પહોંચાડી શકે એવો વ્યવસ્થિત ડ્રાઈવર શોધી કાઢવાનો છે. જે આપણને મંઝિલ સુધી પહોંચાડી શકે. ગાંધીનગર અને દિલ્હી સિવાય મહાનગરોમાં આવા ડ્રાઈવરો બેઠાં છે જેમના હાથે આપણે સુરક્ષિત નથી એટલે સુરતીઓએ શું કરવું જોઈએ એ કહેવાની જરૂર નથી.
ચૂંટણી પછી દેડકારૂપી કેસરિયા ગાયબ
ચૂંટણી સમયે હાથ-પગ જોડતા કેસરિયા બ્રિગેડના સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર પાછળથી દિવો લઈને શોધતા ય જડતા નથી. તેમનો અહંકાર પ્રજાથી દૂર લઈ જાય છે. બીજું કે ચિટરો, બુટલેગરો, કૌભાંડીઓને કેસરી ખેસ પહેરાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવે છે એટલે ભાજપના અસલ કાર્યકર્તાઓનું હ્રદય ઘવાયું છે પરંતુ તેઓ સિસ્ટમ સામે પડી સકતા નથી. તેમને પ્રજાશક્તિ પાર્ટી સ્વરૂપે વિકલ્પ મળી ગયું છે એટલે જેમના હ્રદયભગ્ન થયા હોય એ પીપીપી જ્વોઈન કરીને લોકોના કામમાં લાગી પડે એવું બાપુએ આહ્વાન કર્યું હતું.
હુરતીઓને અન્ડર એસ્ટિમેટ ન કરાય
બાપુએ ટુંકા વકતવ્યમાં જણાવ્યું કે, હવે સુરતમાં રહેનારાઓ પાટીદાર, કોળી પટેલ કે ખત્રી, ઘાંચી, મુસલમાન કે રાણા નથી, એ બધા સુરતીઓ થઈ ગયા છે એટલે એમને સુરતી કે હુરતી તરીકેજ સંબોધન કરવું વધુ યોગ્ય રહેશે. હવામાનશાસ્ત્રી નટુ નાતાલીને યાદ કરતા બાપુએ કહ્યું કે હુરતીઓમાં દેશના રાજકારણની દશા બદલવાનું ખુમાર છે. તેઓ ધારી લે તો ગાંધીનગર અને દિલ્હીનું સિંહાસન ડોલાવી શકે છે. આ સાથે જ તેમણે ઉમેર્યુંકે ગુજરાતની ચૂંટાયેલી સરકારમાં માત્ર બે જ નામ ચમક્યા કરે છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીના નામ સિવાય અન્ય મંત્રીઓ કે ધારાસભ્યોને કોઈ સુંઘતું પણ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓનું વહીવટી તંત્ર પર પણ નિયંત્રણ નથી. આવા પ્રતિનિધિઓ કરતાં પ્રજા શક્તિનો સાધારણ કાર્યકર પ્રજાની પડખે ઉભો રહીને તેમને ન્યાય અપાવવાનું કામ કરશે