Supreme Court: રેપના ૪૦ વર્ષ જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે રેપના કેસમાં પીડિતાના ગુપ્ત ભાગે ઇજાના નિશાન હોવા જરૂરી નથી. ૧૯૮૪માં બીએની એક વિદ્યાર્થિની પર રેપ ગુઝારનારાની સજાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવી હતી. આરોપીને પાંચ વર્ષની કેદની સજા અપાઇ હતી.
એમબીએની વિદ્યાર્થિની ટયૂશન માટે જે શિક્ષક પાસે જતી હતી તેણે જ આ વિદ્યાર્થિની પર રેપ ગુઝાર્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશમાં ૧૯૮૪ના સમયમાં સામે આવી હતી. ૧૯૮૬માં ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને સજા ફટકારી હતી, બાદમાં આરોપી દ્વારા ટ્રાયલ કોર્ટના ચુકાદાને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. દોષિત ઠેરવાયેલા શિક્ષકનો દાવો હતો કે પોલીસ તપાસમાં પીડિતાના ગુપ્ત ભાગે ઇજાના કોઇ જ નિશાન નથી મળ્યા. જોકે આ દલિલોને હાઇકોર્ટે ફગાવતા અંતે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
પીડિતા પર જ્યારે રેપ થઇ રહ્યો હતો ત્યારે તેણે ચીસો પાડી હતી જેને કારણે આસપાસના લોકો પહોંચી ગયા હતા, જોકે આરોપી શિક્ષક અને લોકોએ પીડિતા પર પોલીસમાં ફરિયાદ ના કરવા દબાણ કર્યું હતું, પીડિતાએ હિમ્મત નહોતી હારી અને આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. સુપ્રીમ કોર્ટમાં પીડિતાના વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ સંદીપ મેહતા અને ન્યાયાધીશ પ્રસન્ના બી વરાલેની બેંચે ચુકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે રેપના કેસમાં પીડિતાના ગુપ્ત ભાગે ઇજા હોવી જ જોઇએ તેવુ જરૂરી નથી. અન્ય પુરાવાઓના આધારે પણ મામલાના આરોપીને દોષિત ઠેરવી શકાય. સુપ્રીમે આ મામલામાં આરોપીની અપીલને ફગાવી દીધી હતી.