Supreme Court and Tamilnadu Governor News : તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 10 બિલોને કારણ વગર મહિનાઓ સુધી લટકાવી રાખવા બદલ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આર એન રવીના વલણની પણ ટિકા કરી હતી. ચુકાદાને વેબસાઇટ પર જાહેર કરાયો છે. જે મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ આર એન રવીમાં સચ્ચાઇની ખામી છે અને તેથી અમારા માટે તેમના પર ભરોસો કરવો અને મામલાને તેમની પાસે મોકલવો મુશ્કેલીભર્યું હતું.
રાજ્યપાલ પોતાના અંતરઆત્માને પૂછે કે શું ખરેખર તેમના કામ બંધારણીય શપથથી પ્રેરિત છે? : સુપ્રીમની સલાહ
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના વ્યવહાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તમિલનાડુ રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે રાજ્યપાલ તેમના નિર્ણયો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રત્યે યોગ્ય સન્માન અને આદર દેખાડવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યપાલનો અનેક મુદ્દાઓ પર સરકાર સાથે ટકરાવ રહ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવા સ્પષ્ટ ઉદાહરણો છે કે જેમાં રાજ્યપાલ આ કોર્ટના નિર્ણયો અને નિર્દેશો પ્રત્યે સન્માન જાળવતા ના જોવા મળ્યા. તેઓ આ બાબતમાં નિષ્ફળ રહ્યા. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આ મામલે રાજ્યપાલની ઝાટકણી કાઢી હતી અને વિવાદોનો ઉકેલ લાવવાની સલાહ આપી હતી. જોકે તેમ છતા રાજ્યપાલ દ્વારા બિલોને દબાવી રખાયા હતા. જેને પગલે સુપ્રીમ કોર્ટે હાલ આ ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે બંધારણીય પદાધિકારીઓને અપીલ કરતા કહ્યું હતું કે જ્યારે નિર્ણય લેવા માટે કહેવામાં આવે છે ત્યારે એવા અધિકારીઓને ક્ષણિક રાજકીય વિચારોની આગળ ના ઝુકવું જોઇએ. પરંતુ બંધારણીય મૂળ ભાવનાથી કામ કરવું જોઇએ. ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મહાદેવનની બેંચે કહ્યું હતું કે રાજ્યપાલે પોતાના અંતમ આત્મામાં જોવું જોઇએ કે શું તેમના કામ બંધારણીય શપતથી પ્રેરિત છે અને શું તેમના દ્વારા કરાયેલી કાર્યવાહી બંધારણની અંદર સામેલ દિશા નિર્દેશો મુજબ છે? જો અધિકારીઓ ઇરાદાપૂર્વક બંધારણીય જનાદેશ સામે આંખ આડા કાન કરવાનો પ્રયાસ કરે તો લોકો દ્વારા પૂજવામાં આવનારા તે જ આદર્શો સાથે આવા અધિકારીઓ છેડછાડ કરી રહ્યા છે જેના પર દેશનું નિર્માણ થયું છે.
રાજ્યપાલ રવીએ વિદ્યાર્થીઓ પાસે જય શ્રીરામના નારા બોલાવડાવતા વિવાદ
સુપ્રીમ કોર્ટના ચુકાદા વચ્ચે તમિલનાડુના રાજ્યપાલ વધુ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. રાજ્યપાલ આર એન રવીએ એક શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલવા કહ્યું હતું. જેને પગલે તમિલનાડુના કોમન સ્કૂલ સિસ્ટમ નામની સંસ્થા દ્વારા એક નિવેદન જાહેર કરીને રાજ્યપાલની ટિકા કરાઇ હતી. અને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યપાલ આરએન રવીએ રાજ્યપાલ તરીકે જે શપથ લીધા હતા તેનો ભંગ કરી રહ્યા છે. તેઓ બંધારણ પ્રત્યે આદર રાખવામાં નિષ્ફળ રહ્યા છે. તેમને તમિલનાડુના રાજ્યપાલ તરીકે હટાવવા જોઇએ. જ્યારે કોંગ્રેસના વરીષ્ઠ નેતા સશીકાંત સેન્થીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ હવે રોષે ભરાયા છે અને એવો સંકેત આપવા માગે છે કે જો કોર્ટો મારી વિરુદ્ધ ચુકાદા આપશે તો પણ મારા એજન્ડા ચલાવવા માટે મારી પાસે બીજા પણ રસ્તા છે.
રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરવા બદલ કેન્દ્રની સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે બિલોની મંજૂરી મુદ્દે ત્રણ મહિના સુધીની સમય મર્યાદા નક્કી કરી છે. સાથે જ તમિલનાડુ સરકારે રાજ્યપાલને બીજી વખત મોકલેલા ૧૦ બિલોને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મુદ્દે કેન્દ્ર સરકારે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે પણ ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરી હોવાથી આ ચુકાદાને લઇને રિવ્યૂ પિટિશનની તૈયારી પૂરી થઈ ગઈ છે. રાષ્ટ્રપતિના વ્યવહારો સાથે મંત્રાલય જોડાયેલુ હોવાથી આ દિશા નિર્દેશ સીધી રીતે હદ મર્યાદા સાથે જોડાયેલો છે. બિલોમાં રાષ્ટ્રપતિએ સુચવેલા સુધારા સામેલ કરવા જરૂરી છે.