Supreme Court of India: સુપ્રીમ કોર્ટે બુધવારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને વિધાનસભા અધ્યક્ષને આકરી ફટકાર લગાવતાં કહ્યું કે ‘જો બંધારણની મજાક ઉડાવવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ મૌન બેસશે નહીં. તેલંગાણા વિધાનસભા અધ્યક્ષે દલીલ કરી હતી કે ‘કોર્ટ સ્પીકરને તે ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો આદેશ આપી શકતી નથી જે કથિતરીતે પક્ષપલટો કરીને બીજી પાર્ટીમાં જતાં રહ્યાં છે.’ આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘બંધારણના રક્ષક તરીકે અમે આદેશ પસાર કરવામાં શક્તિહીન નથી, ખાસ કરીને ત્યારે જ્યારે પક્ષપલટા વિરોધી કાયદા સંબંધિત દસમી યાદીની મજાક ઉડાવવામાં આવી રહી હોય.’
જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત.રેડ્ડીના વિધાનસભામાં આપવામાં આવેલા તે કથિત નિવેદન પર પણ વાંધો વ્યક્ત કર્યો કે ‘કોઈ પેટા ચૂંટણી થશે નહીં.’ જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો આ વાત ગૃહમાં કહેવામાં આવી છે તો તમારા મુખ્યમંત્રી દસમી યાદીની મજાક ઉડાવી રહ્યાં છે. બંધારણની દસમી યાદી પક્ષપલટાના આધારે અયોગ્યતાની જોગવાઈઓ સંબંધિત છે.’
પક્ષપલટા સાથે જોડાયેલી અરજી પર થઈ રહી હતી સુનાવણી
બેન્ચ તેલંગાણા વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય કરાર આપવાની વિનંતી કરનારી અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત મોડાઈ સંબંધિત દલીલોને સાંભળી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પીકરને પૂછ્યું કે તેમણે કોંગ્રેસમાં સામેલ થયેલા ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત અરજીઓ પર નોટિસ જારી કરવામાં લગભગ 10 મહિનાનો સમય કેમ લગાવ્યો? આની પર વિધાનસભા અધ્યક્ષે દલીલ કરી હતી કે કોર્ટ સ્પીકરને પક્ષપલટાના મામલે ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો આદેશ આપી શકતી નથી.
હાઈકોર્ટના આદેશને આપવામાં આવ્યો હતો પડકાર
એક અરજીમાં ત્રણ ધારાસભ્યોએ તેલંગાણા હાઈકોર્ટના નવેમ્બર 2024ના આદેશને પડકાર આપ્યો છે, જ્યારે એક અન્ય અરજી પક્ષપલટો કરનાર બાકીના સાત ધારાસભ્યોને લઈને દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે નવેમ્બરમાં હાઈકોર્ટની એક બેન્ચે કહ્યું હતું કે ‘વિધાનસભા અધ્યક્ષે ત્રણેય ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતા અરજીઓ પર યોગ્ય સમયની અંદર નિર્ણય કરવો જોઈએ. બેન્ચનો નિર્ણય સિંગલ જજના નવ સપ્ટેમ્બર 2024ના આદેશ વિરુદ્ધ અપીલ પર આવ્યો.’
સિંગલ જજે તેલંગાણા વિધાનસભાના સચિવને આદેશ આપ્યો હતો કે ‘તે અયોગ્યતાની વિનંતી વાળી અરજીને ચાર અઠવાડિયાની અંદર સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરવા માટે અધ્યક્ષ સમક્ષ મૂકે. બુધવારે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો, ‘જો અધ્યક્ષ કોઈ કાર્યવાહી કરતાં નથી તો આ દેશની કોર્ટો, જેની પાસે બંધારણના સંરક્ષક તરીકે માત્ર શક્તિ છે, પરંતુ જવાબદારી પણ છે, શું શક્તિહીન થઈ જશે?’
મુકુલ રોહતગીની દલીલ પર SC ચોંક્યું
સુપ્રીમ કોર્ટે સ્પીકર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની તે દલીલ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે કોર્ટ અયોગ્યતા અરજીઓ પર નિર્ણય લેવા માટે આદેશ આપી શકતી નથી અને કોઈ સમયમર્યાદા નક્કી કરી શકતી નથી. રોહતગીએ દલીલ કરી હતી કે સ્પીકર સમક્ષ પેન્ડિંગ અયોગ્યતા અરજીઓ ન્યાયિક સમીક્ષાથી પર છે. તેમણે કહ્યું, ‘સ્પીકર દ્વારા નિર્ણય લીધા પહેલા ન્યાયિક સમીક્ષાની પરવાનગી નથી. કોર્ટ આ મામલે સ્પીકરથી વિનંતી કરી શકે છે.’
મુકુલ રોહતગીએ કહ્યું કે ‘પહેલી અયોગ્યતા અરજી 18 માર્ચ, 2024એ દાખલ કરી હતી, તે બાદ ગયા વર્ષે ક્રમશ: બે એપ્રિલ અને આઠ એપ્રિલે બે અન્ય અરજીઓ દાખલ કરવામાં આવી. પહેલી અરજી ગયા વર્ષે 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જ્યારે બેન્ચે અયોગ્યતા અરજીઓ પર નોટિસ જાહેર કરવામાં લાગનાર સમય વિશે પૂછ્યું તો વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાને પેન્ડિંગ થવાનો હવાલો આપ્યો.’
જસ્ટિસ ગવઈએ કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટના સિંગલ જજે માત્ર ચાર અઠવાડિયાની અંદર કાર્યક્રમ નક્કી કરવાની વિનંતી કરી હતી. મામલામાં દલીલો ત્રણ એપ્રિલે પણ જારી રહેશે. બીઆરએસ નેતા પી.કૌશિક રેડ્ડી તરફથી વરિષ્ઠ વકીલ સી એ સુંદરમે 25 માર્ચે દલીલમાં કહ્યું કે ‘મૂળ પ્રશ્ન એ છે કે શું કોઈ કોર્ટની પાસે બંધારણીય અધિકારીને તેના બંધારણીય આદેશ અનુસાર કાર્ય કરવા માટે બાધ્ય કરવાની શક્તિ, અધિકાર છે.’