કારગિલમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે ઍલર્ટ કરનારા ગોવાળ તાશી નામગ્યાલનું નિધન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tashi Namgyal Passes Away: લદાખના કારગિલ સેક્ટરમાં વર્ષ 1999માં પાકિસ્તાની ઘૂસણખોરી વિશે ભારતીય સેનાને સૌથી પહેલાં ઍલર્ટ કરનારા ગોવાળ તાશી નામગ્યાલનું આર્યન વેલીમાં નિધન થઈ ગયું છે. તેમણે 58 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. નામગ્યાલ આ વર્ષની શરુઆતમાં દ્રાસમાં 25માં કારગિલ વિજય દિવસના અવસર પર આયોજિત સમારોહમાં પોતાની દીકરી સાથે સામેલ થયા હતા. તાશી નામગ્યાલની દીકરી વ્યવસાયે શિક્ષિકા છે.

ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સે શ્રદ્ધાંજલિ આપી

- Advertisement -

ભારતીય સેનાના લેહ સ્થિત ‘ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સ’એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, અમે તાશી નામગ્યાલને તેમના આકસ્મિક નિધન પર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એક દેશભક્ત હવે આપણી વચ્ચે નથી રહ્યા. લદ્દાખના બહાદુર – તમારી આત્માને શાંતિ મળે. દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય સેનાએ નામગ્યાલને શ્રદ્ધાંજલિ આપતાં 1999માં ઓપરેશન વિજય દરમિયાન રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કર્યું અને કહ્યું કે તેમનું નામ ઇતિહાસમાં ‘સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.’

કારગિલમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે સેનાને સૌથી પહેલાં ઍલર્ટ કરી

- Advertisement -

તાશી નામગ્યાલનું નિધન લદાખની આર્યન ઘાટીના ગારખોનમાં થયું છે. 1999માં મે મહિનાની શરુઆતમાં તાશી નામગ્યાલ પોતાના ગુમ થયેલા યાકની શોધમાં બટાલિક માઉન્ટેન રેન્જ તરફ પહોંચ્યા હતા. અહીં તેણે પઠાણી પોશાકમાં સજ્જ કેટલાક લોકોને બંકર ખોદતા જોયા હતા, જે સિવિલ ડ્રેસમાં પાકિસ્તાની સૈનિકો હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તરત જ ભારતીય સેનાને આ અંગે સૂચના આપી હતી.

કારગિલ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા

- Advertisement -

તાશી નામગ્યાલ દ્વારા સમય પર આપવામાં આવેલી સૂચનાએ ભારતની સૈન્ય પ્રતિક્રિયાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 3 મે અને 26 જુલાઈ 1999 વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ ઝડપથી એકત્ર થઈ શ્રીનગર-લેહ હાઇવેને બ્લોક કરીને પાકિસ્તાનના ગુપ્ત મિશનને નિષ્ફળ બનાવ્યું હતું. આ યુદ્ધમાં ભારતની જીતમાં તાશી નામગ્યાલની સતર્કતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં તેમની ભૂમિકા માટે તાશીને બહાદુર અને દેશભક્ત ગોવાળ ગણાવ્યા હતા.

Share This Article