Telangana MLC Election: તેલંગાણા વિધાનસભા પરિષદની ચૂંટણીમાં ભાજપે બહુમતિ સાથે જીત મેળવી છે. તેણે ત્રણ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી બે બેઠક પર જીત હાંસલ કરી છે. ત્રણ એમએલસી બેઠકમાંથી બે પર જીતથી કોંગ્રેસ શાસિત રાજ્યમાં ભાજપનો દબદબો વધતો જોવા મળ્યો છે.
ભાજપ સમર્થિત ઉમેદવારોની જીતને વધાવતા કેન્દ્રીય કોલસા મંત્રી અને ભાજપ તેલંગાણા એકમના પ્રમુખ જી. કિશન રેડ્ડીએ કહ્યું કે આ જીત યુવાનો અને શિક્ષકોની જીત છે, જેમણે કોંગ્રેસને તેના નિષ્ફળ શાસન અને તેમની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળતા માટે નિર્ણાયક રીતે નકારી કાઢી છે.
કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે તેના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોને મેદાનમાં ઉતાર્યા અને ઘણો ખર્ચ કર્યો, તેમ છતાં તેઓ કરીમનગર ગ્રેજ્યુએટ બેઠક જાળવી શક્યા નથી. લોકોને ખોટા વચનો આપીને સત્તામાં આવેલી કોંગ્રેસને આ પરિણામ મજબૂત સંદેશ આપે છે.’ રાજ્યમાં 13 જિલ્લાઓ, 43 વિધાનસભા બેઠકો અને છ સંસદીય મત વિસ્તારો તથા 270 મંડળમાં યોજાયેલી ચૂંટણીની સાથે આ જીત નોંધપાત્ર છે. જે તેલંગાણામાં ભાજપની વધતી જતી તાકાતને દર્શાવે છે.
પીએમ મોદીએ પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપને ‘અભૂતપૂર્વ સમર્થન’ આપવા બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને લોકો વચ્ચે ખૂબ જ સમર્પણ સાથે કામ કરવા બદલ પાર્ટીના કાર્યકરોની પ્રશંસા કરી હતી. મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘MLC ચૂંટણીમાં આવા અભૂતપૂર્વ સમર્થન માટે હું તેલંગાણાના લોકોનો આભાર માનું છું. અમારા નવા ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન. મને ગર્વ છે કે પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છે.’
3 બેઠકોના ચૂંટણી પરિણામો
મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર સ્નાતક અને શિક્ષક મત ક્ષેત્રો અને વારંગલ-ખમ્મમ-નલગૌડા શિક્ષક મત વિસ્તાર માટે પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. એટલે કે એક સ્નાતક અને બે શિક્ષક મતદાર ક્ષેત્ર માટે ચૂંટણી યોજાઈ હતી. આ પૈકી, કરીમનગર સ્નાતક મત વિસ્તારમાં ભાજપ સમર્થિત ચૌધરી અંજી રેડ્ડીએ કોંગ્રેસના નરેન્દ્ર રેડ્ડીને 5,000થી વધુ મતોથી હરાવ્યા હતા. ભાજપના મલકા કોમારૈયાએ કરીમનગર શિક્ષક મત વિસ્તારમાંથી જીત્યા અને અપક્ષ ઉમેદવાર શ્રીપાલ રેડ્ડી પિંગલી (શિક્ષક સંઘ દ્વારા સમર્થિત) વારંગલ-ખમ્મમ-નાલગોંડા શિક્ષક મતવિસ્તારમાંથી જીત્યા હતા.