Telangana Sub reserve: SCમાં પેટા અનામત લાગું કરનારું તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Telangana Sub reserve: તેલંગાણા સરકારે સોમવારે અનુસૂચિત જાતિ (એસસી) વર્ગીકરણ લાગુ કરી દીધુ છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસસી અનામતનું વર્ગિકરણ કરનારું તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪મી એપ્રીલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેને લાગુ કરાયું છે. જે મુજબ હવેથી તેલંગાણામાં એસસીના ત્રણ વર્ગ કરાશે જેમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે.

તેલંગાણા સરકારના આદેશ મુજબ રાજ્ય સરકારે ઓક્ટોબર ૨૦૨૪માં હાઇકોર્ટના નિવૃત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમીશનની રચના કરી હતી, કમીશને એસસી સમાજની કુલ ૫૯ જાતિને સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરેમાં ૧૫ ટકાના કુલ અનામત માટે ત્રણ વર્ગ વર્ગ એક, વર્ગ બે અને વર્ગ ત્રણમાં વિભાજીત કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને વિધાનસભામાં પસાર કરાયા બાદ ૮ એપ્રીલના રોજ રાજ્યપાલ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ ૧૪મી એપ્રીલે તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.  એસસી સમાજને અગાઉની જેમ જ ૧૫ ટકા અનામત જ મળશે પરંતુ તેને ત્રણ વર્ગોમાં વિભાજીત કરાઇ છે. તેલંગાણાના મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે જો વર્ષ ૨૦૨૬માં વસતી ગણતરી કરવામાં આવશે અને તેમાં એસસી સમાજની સંખ્યા વધશે તો તે આંકડા મુજબ આ વર્ગિકરણ કરવામાં આવશે અને પેટા અનામતમાં વધારો થશે. વર્ગિકરણ માટે ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં ગુ્રપ એકમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રૂપે પછાત ૧૫ જાતિઓને એક ટકા અનામત મળશે, જ્યારે ગુ્રપ બેમાં સામેલ ૧૮ જાતિઓને ૯ ટકા અનામત મળશે, ગુ્રપ ત્રણમાં સામેલ કરાયેલી ૨૬ જાતિઓને પાંચ ટકા અનામત અપાશે. એટલે કે હાલ તમામ એસસી સમાજને જે ૧૫ ટકા અનામત મળે છે તેમાં જેની સ્થિતિ સૌથી નબળી રહી ગઇ છે તેમને આ ૧૫ ટકામાંથી વધુ લાભ મળશે.

જસ્ટિસ શમીમ અખ્તરની અધ્યક્ષતાવાળા કમિશને એસસી સમાજની અલગ અલગ ઉપ-જાતિની આર્થિક, સામાજિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. એક રાજ્યવ્યાપી સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે ૮૬૦૦ લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. રાજ્યભરમાં જાતિ આધારીત સરવેમાં ૯૬.૯ ટકા ઘરોને સામેલ કરાયા હતા, કુલ ૩,૫૪,૭૭,૫૫૪ લોકોને સામેલ કરાયા હતા. જેમાં ૫૬ ટકા ઓબીસી, ૧૭ ટકાથી વધુ એસસી, ૧૫ ટકાથી વધુ અન્ય, ૧૦ ટકાથી વધુ એસટી સમાજના લોકોનો સમાવેશ થાય છે. ૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ આ સરવે શરૂ થયો હતો જે માત્ર ૫૦ દિવસમાં જ પૂર્ણ થઇ ગયો હતો. આ ડેટાના આધારે હવે એસસી સમાજમાં પેટા અનામત લાગુ કરી દેવામાં આવી છે.

Share This Article