અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર વધતાં ચિંતા છવાઈ છે. શંકાસ્પદ ચાંદીપુર વાયરસનાં કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે, તેના કારણે બાળકોના માતા-પિતા તેમજ રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ગઈકાલે ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુંઆક 15 હતો તે વધીને આજે 16 થયો હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યું છે. જ્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત બિનસત્તાવાર માહિતી મુજબ મૃત્યુઆંક 21 થયો છે, જેમાં રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલમાં 1 બાળક મળીને વધુ 6 બાળકોના આ વાયરસનાં કારણે મોત નીપજ્યું હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 33 થઈ ગઈ છે, જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકાર પરિષદ યોજીને પૂનાની લેબોરેટરીમાં મોકલાયેલા સાતમાંથી એક જ કેસ ચાંદીપુરાનો હોવાની માહિતી પૂણે લેબોરેટરીએ આપી હોવાનું જણાવ્યું હતું, સાથે જાહેર કર્યું હતું કે, ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે.
સેમ્પલને પૂણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે જેથી હવે ઝડપથી રિપોર્ટ આવી શકશે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ગંભીરતા જોતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યમાં વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેનાં પગલાંઓની સમીક્ષા કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ટેસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. આ બેઠક બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ કોઇ પણ પ્રકારનો ચેપીરોગ નથી.
ચાંદીપુરાના લક્ષણ દેખાય તો ઘરમાં ઇલાજ ન કરો, તાત્કાલિક હોસ્પિટલમાં જઇને બાળકની સારવાર કરાવો, જેથી બાળકનો જીવ બચાવી શકાય. તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં 18 જુલાઇ, 2024ની સ્થિતિએ ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે. જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે બાકીના સારવાર હેઠળ છે. 4 વર્ષથી લઇને 14 વર્ષ સુધીનાં બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું છે, જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાચાં મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સંબંધે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જનતા જનાર્દનને વિગતોથી માહિતગાર કરવા બેઠકમાં સૂચન કર્યું હતું. તેમણે રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દાખલ થતાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તાત્કાલિક પૂના ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીમાં તપાસણી માટે મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બેઠકમાં તાકીદ કરી હતી. એટલું જ નહીં, આવા શંકાસ્પદ દર્દીઓને સંબંધિત હોસ્પિટલોમાં તાત્કાલિક યોગ્ય સારવારની વ્યવસ્થા માટે પણ સૂચનો કર્યાં હતાં.