મુખ્યમંત્રી માટે કોઈ અલગ કાયદો નથી.: દિલ્હી હાઇકોર્ટ
નવી દિલ્હી, તા. 9 :. છેલ્લા 9 દિવસથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાં છે અને હાઈકોર્ટમાં ઝટકો મળ્યા બાદ આમ આદમી પાર્ટી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવાનો સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે, અરજી જામીન માટે નહીં, પરંતુ ધરપકડને પડકારવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે, તેમની ધરપકડ ગેરકાયદે છે. તાજના સાક્ષી અંગેનો કાયદો 100 વર્ષ જૂનો છે, તેના પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. નાણાકીય હેરફેરના ઇડીના દાવાને કોર્ટે યોગ્ય ગણાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂનીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ર1 માર્ચે કરવામાં આવેલી ધરપકડને યોગ્ય ઠેરવી કહ્યંy કે, ઈડીએ કાયદાનું પાલન કર્યું છે.
તેની પાસે હવાલા ઓપરેટર્સ અને આપ ઉમેદવારના નિવેદન છે. હાઈકોર્ટે ગોવા ચૂંટણી સાથે જોડાયેલા મની ટ્રેલ મળ્યાને દાવાને માન્યો છે. પોતાની ધરપકડ અને ઈડીની કસ્ટડીને પડકાર્યા બાદ બન્ને પક્ષની દલીલો પૂર્ણ થતાં હાઈકોર્ટે ગત 3 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુનાવણી વખતે કોર્ટે કહ્યું કે, એ ધ્યાન આપવું જોઈએ કે કાયદા હેઠળ તપાસની પ્રક્રિયા દરમિયાન સામાન્ય લોકો અને કેજરીવાલ જેવા જાહેર જીવનના વ્યક્તિ વચ્ચે અંતર ન કરી શકાય. એ દલીલ યોગ્ય નથી કે કેજરીવાલની વીસી ના માધ્યમથી પૂછપરછ કરી શકાય છે.
તેઓ (કેજરીવાલ)ને પોતાના વિરુદ્ધ રહેલા સાક્ષીઓ સાથે દલીલ કરવાનો અધિકાર છે. એ નક્કી કરવાનું કામ આરોપીનું નથી કે તપાસ કેવી રીતે થાય. તે આરોપીની સુવિધા મુજબ ન હોઈ શકે. મુખ્યમંત્રી સહિત કોઈ માટે કોઈ વિશેષાધિકાર ન હોઈ શકે.