UP CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન પદની રેસમાં હોવાના અહેવાલો અને તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમાં તેમના સ્થાને યોગી આદિત્યનાથને કમાન સોંપવાની અટકળો પણ વહેતી થઈ હતી. જેના પર સ્પષ્ટતા કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે ‘રાજનીતિ એ મારી ફૂલ ટાઇમ જોબ નથી.’
યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી સાથે તેમની રાજકીય કારકિર્દી, ભાજપમાં ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે લાંબી ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવેલો એક પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે. યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે, આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડા પ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો?
યોગી આદિત્યનાથે આપ્યો આ જવાબ
યોગી આદિત્યનાથને આ સવાલ પૂછવા પર તેમણે તુરંત જવાબ આપ્યો કે, રાજનીતિ મારી ફૂલટાઇમ જોબ નથી. હાલ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું, ઉત્તર પ્રદેશની જનતા મને અહીં લાવી છે. જેથી હાલ અહીં કામ કરી રહ્યો છું. હું વાસ્તવમાં એક યોગી છું. અમે લોકો જે સમયમાં છીએ…ત્યાં કામ કરી રહ્યા છે. તેની સાથે એક સમય મર્યાદા પણ હશે.
સંજય રાઉતની ટિપ્પણીથી શરુ થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર સ્થિત આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધા બાદ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન પોતાની રિટાયરમેન્ટ ઍપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા. તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે. સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માગે છે. આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે.
રાઉતના આ નિવેદનથી પીએમ મોદીના ’75 વર્ષના નિયમ’ની યાદ અપાવી છે. ભાજપમાં નેતાઓની સેવાનિવૃત્તિની વય 75 વર્ષ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેનું પાલન કર્યું છે. વડાપ્રધાન હાલ ત્રીજો કાર્યકાળ નિભાવી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે.
ભાજપે-સંઘે દાવો ફગાવ્યો
ભાજપ અને આરએસએસ બંનેએ રાઉતનો આ દાવો ફગાવ્યો છે. તેમણે રાઉતની ટિપ્પણીને પાયાવિહોણી ગણાવી છે. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી છે કે, 2029માં પણ અમે મોદીજીને વડાપ્રધાન બનાવીશું. મુઘલ કાળમાં પિતા જીવિત હોય અને પુત્ર ગાદી પર બેસી જાય.