Waqf Amendment Bill: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પર ચર્ચા વચ્ચે બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (JDU)ને આ બિલ પર સમર્થન ન કરવાની અપીલ કરી. તેમણે જેડીયૂના મુસ્લિમ નેતાઓને કહ્યું કે, ‘જો આ બિલ સંસદમાં પસાર થઈ જાય છે તો તેમણે નીતિશનો સાથ છોડી દેવો જોઈએ. કારણ કે મુસ્લિમોના કારણે જ 2015માં નીતિશ બિહારની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.’ તેમણે એ પણ દાવો કર્યો કે, જો મુસ્લિમ ન હોત તો નીતિશનું રાજકારણ ખતમ થઈ ગયું હોત.
પ્રશાંત કિશોર ઉર્ફ પીકેએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં વક્ફ બિલને લઈને જેડીયૂ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો આ બિલ સંસદમાં પસાર થઈ જાય છે તો ભાજપથી વધુ નીતિશની પાર્ટી તેના માટે જવાબદાર હશે. નીતિશના સાંસદોને ગૃહમાં આ બિલ પર મત ન આપવો જોઈએ. જેડીયૂના મુસ્લિમ નેતાઓએ પણ પોતાના સાંસદોને આ અપીલ કરવી જોઈએ કે, તેઓ વક્ફ બિલ વિરૂદ્ધ મતદાન કરે.’
પીકેએ કહ્યું હતું કે, ‘તેમની પાર્ટી જન સુરાજ વક્ફ સંશોધન બિલ વિરૂદ્ધ છે. આ બિલ મુસ્લિમોને સીધું અસર કરે છે. સરકાર જો મુસ્લિમ સમુદાયના ભરોસા માટે વગર વક્ફ કાયદો બનાવે છે તો આ સંપૂર્ણ રીતે ખોટું હશે. બંધારણમાં અલ્પસંખ્યકોને આપવામાં આવેલા અધિકારોમાં કોઈપણ રીતે હસ્તક્ષેપ, તે સમાજની સહમતિ વગર ઉચિત નથી.’
પ્રશાંત કિશોરે નીતિશ કુમારને યાદ અપાવતા કહ્યું કે, ‘2015માં મુસ્લિમોએ તેમને મુખ્યમંત્રી બનાવવા માટે મહાગઠબંધનને મત આપ્યા હતા. આજે વક્ફ બિલનું સમર્થન કરીને નીતિશ અને જેડીયૂ મુસ્લિમ સમુદાયને આપેલો વાયદો તોડી રહ્યા છે. નીતિશને ખબર હોવી જોઈએ કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં મુસ્લિમોનું મોટું યોગદાન છે. જો તેઓ વક્ફના વિરૂદ્ધમાં મતદાન નહીં કરે તો ખુદને ગાંધી અને લોહિયાના અનુયાયી કહેવું ખોટું હશે.’