Waqf Bill Protest News: કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેને સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે અને અમલની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં હવે આ વક્ફ કાયદામાં સુધારાને લઇને વિરોધ વંટોળ ફૂંકાઇ રહ્યો છે. શુક્રવારે નમાઝ બાદ અનેક શહેરોમાં વક્ફ કાયદાના સુધારા સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં ખાસ કરીને મુંબઇ, કોલકાતા, પટણા, લખનઉ, જયપુર વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અમે વક્ફ બિલ નકારીએ છીએના પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.
કોલકાતામાં અલિયાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા, તેમના હાથોમાં મોટા બેનરો હતા જેના પર લખ્યું હતું કે અમે વક્ફ કાયદામાં સુધારાનો આકરો વિરોધ કરીએ છીએ. બંધારણીય અધિકારોથી વંચિત ના રાખી શકાય. બંગાળમાં સિલિગુડીમાં પણ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. લખનઉ, જયપુર, પટણા વગેરે શહેરોમાં મુસ્લિમ નેતાઓએ રેલી કાઢી હતી જેમાં અનેક લોકો જોડાયા હતા. આ નેતાઓએ દાવો કર્યો હતો કે જો વક્ફ કાયદામાં કરાયેલો સુધારો પરત લેવામાં ના આવ્યો તો અમે આમરણાંત ઉપવાસ કરીશું.
મુંબઇમાં ચિશ્તી હિન્દુસ્તાની મસ્જિદ બહાર લોકો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. જ્યારે અનેક મુસ્લિમોએ નમાઝ દરમિયાન હાથે કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મુંબઇના વિરોધ પ્રદર્શનોમાં એઆઇએમઆઇએમના નેતા વારીસ પઠાણ અને અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સુત્રોચ્ચાર કરવાનું ટાળ્યું હતું પરંતુ હાથમાં પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ જ પ્રકારના ધરણા પ્રદર્શન શ્રીનગરમાં જોવા મળ્યા હતા. શ્રીનગરમાં પીડીપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે કાયદામાં કરાયેલો સુધારો મુસ્લિમોને સ્વીકાર્ય નથી કેમ કે તેનાથી મુસ્લિમોને નુકસાન થઇ રહ્યું છે.
હિંસાગ્રસ્ત મણિપુરમાં ઇમ્ફાલમાં અનેક મુસ્લિમો રસ્તા પર ઉતર્યા હતા, અને તાત્કાલિક કાયદામાં કરાયેલા સુધારાને રદ કરવાની માગણી કરી હતી. તેલંગાણામાં હૈદરાબાદમાં મક્કાહ મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. જ્યારે દારુલ શિફામાં જામા મસ્જિદ પાસે પણ મુસ્લિમોએ ધરણા કર્યા હતા. મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જયપુર, બિહારના પટણામાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેટલાક પોસ્ટરોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ટિકા કરવામાં આવી હતી. નીતિશ કુમારની જદ(યુ)એ આ બિલને ટેકો આપ્યો હતો. જ્યારે કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનની કોઇ અસર નહોતી જોવા મળી. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં સુધારા સામે 10થી વધુ અરજીઓ થઇ છે. જેની 16મી એપ્રીલે સુનાવણી કરવામાં આવી શકે છે.
પશ્ચિમ બંગાળમાં સૌથી પહેલા વિરોધની શરૂઆત થઇ હતી, અહીંયા તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મુસ્લિમ સંગઠનો દ્વારા ઘણા દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. એવામાં હવે તૃણમુલ કોંગ્રેસના નેતા અને મંત્રી સિદ્દીકુલ્લા ચૌધરીએ કોલકાતાના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત-એ-ઉલેમા હિંદની વિશાળ રેલીને સંબોધી હતી અને કહ્યું હતું કે જો અમે ઇચ્છીએ તો ચક્કાજામ કરીને કોલકાતાને ઠપ કરી શકીએ છીએ, સરળતાથી 50 જગ્યાએ બે હજાર લોકોને એકઠા કરીને ટ્રાફિક જામ કરાવી શકીએ. અમે અત્યાર સુધી એવુ કઇ નથી કર્યું, પરંતુ આવુ કરવાનું અમારુ આયોજન જરૂર છે. અમારી રણનીતિ જિલ્લાઓથી શરૂઆત કરવાની છે. બાદમાં કોલકાતામાં 50 જગ્યાએ 10-10 હજાર લોકોને તૈનાત કરીશું. જેમણે કઇ નથી કરવું તેઓ આવશે, બેઠસે, મમરા, ગોળ અને મીઠાઇ ખાશે. જોકે આ નિવેદનના વીડિયોને બાદમાં ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર વહેતો કરવામાં આવ્યો હતો.