પાટણમાં આજે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ કરસન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન કરસન પટેલે ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન સામે સવાલ ઉઠાવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં આજથી આશરે 9-10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. પાટીદાર અનામત આંદોલનમાં અનેક પાટીદાર યુવાનો જોડાયા હતા. જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ષને 10 ટકા અનામત આપ્યું હતું. પરંતુ હવે આ મુદ્દે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે વિસ્ફોટક નિવેદન આપ્યું છે.
શું બોલ્યા કરસનભાઈ પટેલ
પાટીદાર અનામત આંદોલનના આટલા વર્ષો બાદ ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. ઉદ્યોગપતિ કરશન પટેલે કહ્યુ કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને કંઈ મળ્યું નથી. અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરશન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. પાટીદાર અનામત આંદોલનથી કશું મળ્યું નથી.
એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેઉઆ પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું હોવાનું કહીને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે. આ સાથે જ તેમણે બેધડક રીતે કહ્યું કે, અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેઉવા પાટીદારની દીકરીનું CM પદ ગયું. તેમણે આંદોલનકારીઓની નિયત સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, પાટીદાર આંદોલન અનામતનું હતું કે કોઈના કારનામાનું હતું? આજે પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો તેમાં પદ્મશ્રી કરસનભાઈ પટેલે આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે.
ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના નિવેદન બાદ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યુ કે 10 વર્ષ બાદ કરસનભાઈ પટેલે સમાજની ચિંતા કરી છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે આંદોલન થયું ત્યારે કરસન પટેલ કેમ મૌન હતા. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે શું કરસનભાઈએ શહીદ પાટીદાર યુવકોના પરિવાર માટે દાન આપ્યું છે?
પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા દિનેશ બાંભણિયાએ કહ્યું કે કરસનદાદાને ખબર હોવી જોઈએ કે આંદોલનથી શું મળ્યું. દિનેશ બાંભણિયાએ કહ્યું કે પાટીદાર સમાજને આંદોલનથી અનામત મળી છે. તેમણે કહ્યું કે ‘EWSથી નિરમા યુનિ.માં પાટીદારોનાં સંતાનો મફત ભણે છે’. તેમણે કહ્યું કે કરસનભાઈ પટેલને પાટીદારોના ગરીબ પરિવારોની પીડા ખબર નથી.
આ સિવાય અલ્પેશ કથીરિયા, લાલજી પટેલે પણ કરસન પટેલના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા.