રાષ્ટ્રીય શોક ક્યારે અને કેટલા દિવસ માટે જાહેર થાય છે?

Arati Parmar
By Arati Parmar 5 Min Read

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર, કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલ 26મી ડિસેમ્બરને ગુરુવારે 92 વર્ષની વયે, પૂર્વ વડાપ્રધાનના નિધન બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે. ડો. મનમોહનસિંહને ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાત્રે 9:51 વાગ્યે મનમોહનસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. ડો મનમોહનસિંહના નિધનને લઈને યુપી સરકારે પણ સાત દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રીય શોક શું છે?

દેશમાં જ્યારે કોઈ મહાન રાષ્ટ્રીય નેતા, કોઈ મહાન કલાકાર કે દેશના સન્માન કે કલ્યાણ માટે સર્વસ્વ બલિદાન આપનાર મહાનુભાવનું નિધન થાય ત્યારે શોકની જાહેરાત કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. જો કે હવે રાજ્ય સરકારો પણ શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે.

- Advertisement -

રજા જાહેર કરવી જરૂરી હોય છે ?

કેન્દ્ર સરકારના 1997ના સરકારી આદેશમાં જણાવ્યું છે કે મહાનુભાવની અંતિમયાત્રા દરમિયાન જાહેર રજા જરૂરી નથી. એટલે કે હવે શોક દરમિયાન ફરજિયાત જાહેર રજા નાબૂદ કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન પદ પર હોય અને તે સમયે મૃત્યુ પામે છે, તો સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે. અન્યથા જો સરકાર ઈચ્છે તો આ સમયગાળા દરમિયાન રજા જાહેર કરી શકે છે.

- Advertisement -

ત્રિરંગો અડધી કાઠીએ લહેરાય છે

ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર, રાષ્ટ્રીય અથવા રાજ્ય શોક દરમિયાન, જે જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવતો હોય છે ત્યાં અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. આમાં સંસદ ભવન અને વિધાનસભાઓથી લઈને કેન્દ્ર સરકારની કચેરીઓ અને સચિવાલયોનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં આવેલ ભારતીય દૂતાવાસોમાં લગાવવામાં આવેલ ત્રિરંગા ધ્વજને પણ અડધી કાઠીએ કરી દેવામાં આવતો હોય છે.

- Advertisement -

આ સિવાય દેશ કે રાજ્યમાં કોઈપણ પ્રકારના ઔપચારિક અને સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. જાહેર મેળાવડા અને સત્તાવાર મનોરંજન કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે. રાષ્ટ્રીય શોક અથવા રાજ્ય શોકનું બીજું મહત્વનું પાસું છે રાજ્ય સન્માન સાથે મૃતક મહાનુભાવના અંતિમ સંસ્કાર.

તિરંગામાં લપેટાય છે મહાનુભવ

મહાનુભાવના અંતિમ સંસ્કાર દરમિયાન જયા મૃતદેહ રાખવામાં આવે છે તેને તિરંગામાં લપેટવામાં આવે છે. મૃતક મહાનુભવની સ્મશાન યાત્રા સમયે બંદૂકની સલામી આપવામાં આવે છે. અગાઉ, કેન્દ્ર સરકારની સલાહ પર જ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી હતી. તેથી જ તેને રાષ્ટ્રીય શોક પણ કહેવામાં આવે છે. જો કે, તાજેતરના સમયમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે રાજ્યોને પણ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે કોને રાજ્ય સન્માન આપવું જોઈએ. આવી સ્થિતિમાં ઘણી વખત રાજ્ય અને કેન્દ્ર સરકાર અલગ-અલગ રાજ્ય શોક જાહેર કરે છે.

શોક ઘણા દિવસોનો જાહેર કરી શકાય છે

સત્તાવાર પ્રોટોકોલ મુજબ, વર્તમાન અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના મૃત્યુ પર જ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આઝાદી પછી, મહાત્મા ગાંધીનો ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય શોક અને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાનો રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ હતો. તે જ સમયે વડા પ્રધાનો પંડિત જવાહર લાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર પણ શોકના દિવસો નક્કી કરી શકે

હવે રાજ્ય સરકારો પોતે નક્કી કરી શકે છે કે રાજ્યોમાં શોક કેટલા દિવસ ચાલશે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધન પર રાજ્યમાં ત્રણ દિવસનો રાજ્ય શોક હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર યુપીમાં સાત દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. યુપીએ પણ ડૉ. મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો શોક જાહેર કર્યો છે.

પૂર્વ વડાપ્રધાનો અને પૂર્વ રાષ્ટ્રપતિઓ ઉપરાંત, ઘણા પૂર્વ મુખ્ય પ્રધાનોને પણ દેશની સેવા દરમિયાન તેમના નિધન પર રાજકીય શોક જાહેર કરવામાં આવે છે. જેમના અવસાનને લઈને રાષ્ટ્રીય શોક જાહેર કર્યું હતું તેમ જ્યોતિ બસુ, એમ કરુણાનિધિ અને જયલલિતાનો સમાવેશ થાય છે. ઘણા કલાકારો અને અગ્રણી હસ્તીઓને તેમના અવસાન પર રાજ્ય સન્માન પણ આપવામાં આવ્યું છે.

Share This Article